જમ્મુ-કાશ્મીરમાં આકાશી આફત: 2 દિવસમાં 24નાં મોત, અમરનાથ-વૈષ્ણોદેવી યાત્રા સ્થગિત

જમ્મુ-કાશ્મીરમાં સતત બીજા દિવસે પણ ભારે વરસાદ અને ખરાબ હવામાનના કારણે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. ભૂસ્ખલન, અચાનક પૂર અને મકાનો ધરાશાયી થવાની ઘટનાઓમાં છેલ્લા બે દિવસમાં કુલ 24 લોકોનાં મોત થયા છે, જ્યારે 6 લોકો હજુ પણ લાપતા છે. સૌથી વધુ અસર પુંચ અને રાજૌરી જિલ્લામાં જોવા મળી છે. રાજ્ય સરકારે મૃતકોના પરિવારજનોને 6 લાખ રૂપિયાની સહાય જાહેર કરી છે, જ્યારે હવામાન વિભાગે આગામી 48 કલાક માટે ભારે વરસાદ અને ભૂસ્ખલનની ચેતવણી આપી છે.
અમરનાથ અને વૈષ્ણોદેવી યાત્રા પર બ્રેક
પ્રતિકૂળ હવામાનને ધ્યાનમાં રાખીને અમરનાથ યાત્રા, માતા વૈષ્ણોદેવી યાત્રા, રિયાસીની શિવખોડી અને કિલતવાડની સરથલ યાત્રા સતત બીજા દિવસે પણ સ્થગિત રાખવામાં આવી છે. જોકે, બાલ્તાલ માર્ગેથી અમુક શ્રદ્ધાળુઓને અમરનાથ તરફ રવાના કરવામાં આવ્યા છે. કટરા ખાતે 15 હજારથી વધુ શ્રદ્ધાળુઓ યાત્રા ફરી શરૂ થવાની રાહ જોઈ રહ્યા છે. વૈષ્ણોદેવી માર્ગ પર અનેક સ્થળોએ પથ્થરો પડવા અને ભૂસ્ખલનની ઘટનાઓ બની હોવા છતાં યાત્રા બંધ હોવાથી મોટી જાનહાનિ ટળી છે.
પુંચમાં એક જ પરિવારના 7 સભ્યોનાં મોત
સૌથી કરુણ ઘટના પુંચ જિલ્લાના સુરનકોટના લોરન ગામમાં બની, જ્યાં પહાડ પરથી ભારે કાદવ અને મલબો કાચા મકાન પર ધસી પડતાં એક જ પરિવારના 7 સભ્યોનાં મોત થયા હતા. મૃતકોમાં ચાર મહિલાઓનો પણ સમાવેશ થાય છે. રાજૌરી અને પુંચ જિલ્લામાં છેલ્લા બે દિવસમાં કુલ 21 લોકોનાં મોત નોંધાયા છે. રાજૌરીમાં મનાવર નદીમાંથી હેલિકોપ્ટરની મદદથી એક મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો.
રસ્તાઓ બંધ, વાહનવ્યવહાર પ્રભાવિત
ડોડા જિલ્લામાં ભદ્રવાહથી જમ્મુ જતી મુસાફર બસ પર વિશાળ ખડક પડતાં બે લોકોનાં મોત થયા હતા અને ચાર મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ભારે વરસાદને કારણે અનેક રસ્તાઓ ધોવાઈ ગયા છે, જેના કારણે ઘણા ગામોનો સંપર્ક તૂટી ગયો છે. તવી અને ચિનાબ સહિતની નદીઓ અને નાળાઓ ભયજનક સપાટીએ વહી રહ્યા છે.
23 જુલાઈ સુધી એલર્ટ
હવામાન વિભાગે 23 જુલાઈ સુધી ભારે વરસાદ, અચાનક પૂર અને ભૂસ્ખલનની સંભાવનાને લઈને એલર્ટ જાહેર કર્યું છે. લોકોને પહાડી વિસ્તારોમાં બિનજરૂરી મુસાફરી ટાળવાની સલાહ આપવામાં આવી છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પ્રશાસને તમામ સરકારી કર્મચારીઓની રજાઓ પણ રદ કરી દીધી છે.