ફાસ્ટ ટ્રેક કોર્ટ અને કડક સજા માટે બનશે કાયદો: પેપર લીક મામલે મધ્યરાત્રિએ PM મોદીનો વીડિયો સંદેશ

જંતર-મંતર પર ચાલી રહેલા વિદ્યાર્થીઓના આંદોલન વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મોડી રાત્રે વીડિયો સંદેશ જાહેર કરીને પેપર લીક મામલે સરકારનું કડક વલણ સ્પષ્ટ કર્યું છે. તેમણે કહ્યું કે પેપર લીક માત્ર પરીક્ષાનો ભંગ નથી, પરંતુ લાખો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથેનો ગંભીર વિશ્વાસઘાત છે. આ કૌભાંડમાં સામેલ તમામ દોષિતો સામે વધુ કડક કાર્યવાહી કરવામાં આવશે અને આ મુદ્દે કેબિનેટમાં પણ ચર્ચા કરવામાં આવશે તેવી માહિતી તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આપી હતી.
વિદ્યાર્થીઓને સંબોધતા વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે પેપર લીકની ઘટનાઓથી લાખો વિદ્યાર્થીઓ અને તેમના પરિવારોને ભારે માનસિક તણાવનો સામનો કરવો પડ્યો છે. છેલ્લા અઢી મહિનામાં બનેલી ઘટનાઓ બાદ સરકારે દોષિતોની ધરપકડ સહિત અનેક કડક પગલાં લીધાં છે. તેમણે ઉમેર્યું કે સરકારની પ્રથમ પ્રાથમિકતા વિદ્યાર્થીઓનું શૈક્ષણિક વર્ષ બગડે નહીં તે હતી. તેથી ઓછા સમયમાં આશરે 22 લાખ વિદ્યાર્થીઓ માટે ફરી પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું અને 19મી તારીખે પરિણામો પણ જાહેર કરવામાં આવ્યા.
વડાપ્રધાને જણાવ્યું કે સરકારની કાર્યવાહી અહીં અટકવાની નથી. તેમણે સંબંધિત વિભાગોને પેપર લીકના કેસોની ઝડપી સુનાવણી માટે ફાસ્ટ ટ્રેક કોર્ટની વ્યવસ્થા તૈયાર કરવાનો નિર્દેશ આપ્યો હતો. આ પ્રસ્તાવમાં ફાસ્ટ ટ્રેક કોર્ટની સ્થાપના સાથે દોષિતો માટે વધુ કડક સજાની જોગવાઈ પણ સામેલ છે. શુક્રવારની કેબિનેટ બેઠકમાં આ પ્રસ્તાવ પર ચર્ચા કરીને અંતિમ નિર્ણય લેવામાં આવશે અને સંસદના બીજા સપ્તાહના સત્ર દરમિયાન આ અંગેનું બિલ વહેલી તકે રજૂ કરીને પસાર કરવાનો પ્રયાસ કરવામાં આવશે.
આ દરમિયાન કેન્દ્ર સરકારે ઉચ્ચ શિક્ષણ વિભાગમાં પણ મહત્વનો વહીવટી ફેરફાર કર્યો છે. શિક્ષણ મંત્રાલયના ઉચ્ચ શિક્ષણ વિભાગના સચિવ પદેથી વરિષ્ઠ IAS અધિકારી વિનીત જોશીની બદલી કરીને તેમને પંચાયતી રાજ મંત્રાલયના સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેમની જગ્યાએ IAS અધિકારી નરેશપાલ ગંગવારને ઉચ્ચ શિક્ષણ વિભાગના નવા સચિવ તરીકે જવાબદારી સોંપવામાં આવી છે.