સુપ્રીમની ટિપ્પણી: શાંતિપૂર્ણ વિરોધ બંધારણીય અધિકાર, માત્ર આંદોલનના આધારે લાઠીચાર્જ યોગ્ય નહીં

નવી દિલ્હીમાં 20 જુલાઈએ વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શન દરમિયાન થયેલા પોલીસ લાઠીચાર્જ મામલે સુપ્રીમ કોર્ટે દિલ્હી પોલીસના વલણ પર સવાલો ઉઠાવ્યા છે. સુનાવણી દરમિયાન મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતે મૌખિક અવલોકન કરતાં કહ્યું કે શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન નાગરિકોનો બંધારણીય અધિકાર છે અને માત્ર વિરોધ થઈ રહ્યો છે એટલા માટે લાઠીચાર્જ કરવો યોગ્ય નથી.
કોર્ટે નોંધ્યું કે જ્યાં સુધી વિરોધ પ્રદર્શન શાંતિપૂર્ણ અને કાયદાની મર્યાદામાં રહે છે, ત્યાં સુધી પોલીસ દ્વારા બળપ્રયોગ ટાળવો જોઈએ. સાથે જ સમગ્ર દેશમાં વિરોધ પ્રદર્શનોને સંભાળવા માટે તમામ રાજ્યોની પોલીસ માટે એક સમાન પ્રોટોકોલ બનાવવાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો.
આ મામલો 20 જુલાઈના જંતર-મંતરથી સંસદ તરફ યોજાયેલા વિદ્યાર્થીઓના માર્ચ સાથે જોડાયેલો છે. NEET સહિતની પરીક્ષાઓમાં પેપર લીક અને શિક્ષણ વ્યવસ્થામાં સુધારાની માંગ સાથે વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતર્યા હતા. પોલીસે તેમને રોકતાં લાઠીચાર્જ અને આંસુગેસનો ઉપયોગ કર્યો હોવાના આરોપો છે.
આ ઘટનાને લઈને વિદ્યાર્થીઓ તેમજ ઘાયલ પોલીસકર્મીઓના પરિવાર તરફથી અલગ-અલગ અરજીઓ સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી છે. કોર્ટે જણાવ્યું કે બંને પક્ષોની દલીલો સાંભળવામાં આવશે અને વિરોધ પ્રદર્શન દરમિયાન કાયદો-વ્યવસ્થા જાળવવા માટે સ્પષ્ટ અને એકસરખી માર્ગદર્શિકા હોવી જરૂરી છે.
સુપ્રીમ કોર્ટે એ પણ સ્પષ્ટ કર્યું કે શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન પર અનાવશ્યક પ્રતિબંધો ન હોવા જોઈએ, જ્યારે અસામાજિક તત્વો સામે જરૂરી કાર્યવાહી કરી શકાય. કોર્ટે ભારપૂર્વક જણાવ્યું કે આ મુદ્દો માત્ર દિલ્હી પૂરતો સીમિત નથી, પરંતુ સમગ્ર દેશમાં નાગરિકોના બંધારણીય અધિકારો અને પોલીસની કામગીરી સાથે જોડાયેલો મહત્વનો વિષય છે.