યાત્રાધામ વીરપુરમાં ગુરુપૂર્ણિમાની ભવ્ય ઉજવણી, જલારામ ધામ ખાતે ભક્તોનો મહાસાગર ઉમટ્યો

વીરપુર: ગુરુપૂર્ણિમાના પાવન અવસર નિમિત્તે સૌરાષ્ટ્રના પ્રખ્યાત યાત્રાધામ વીરપુર ખાતે ભવ્ય ધાર્મિક ઉજવણી કરવામાં આવી હતી. પૂજ્ય સંત શ્રી જલારામબાપાના દર્શન અને તેમના ગુરુ પૂજ્ય ભોજલરામ બાપાની સમાધિના દર્શન માટે દેશ-વિદેશમાંથી હજારો ભક્તો વીરપુર પહોંચ્યા હતા. સમગ્ર ધામ “જય જલારામ”ના જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું.
ગુરુપૂર્ણિમાના દિવસે વહેલી સવારથી જ જલારામ ધામમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. ભક્તોએ લાંબી કતારોમાં ઉભા રહી પૂજ્ય જલારામબાપાના દર્શન કર્યા અને આશીર્વાદ મેળવ્યા હતા. મંદિર પરિસરમાં ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું અને ભાવિકોએ જલારામ ધૂન સાથે પોતાની શ્રદ્ધા વ્યક્ત કરી હતી.
આ પવિત્ર દિવસે જલારામ ગાદીના ગાદીપતિ પૂજ્ય રઘુરામબાપા તેમજ જલારામબાપાના પરિવારજનો દ્વારા પૂજ્ય ભોજલરામ બાપાની સમાધિનું વિધિવત પૂજન કરવામાં આવ્યું હતું.
અમદાવાદ, સુરત, બારડોલી, નવસારી, મુંબઈ, મહારાષ્ટ્ર સહિત દેશના વિવિધ વિસ્તારો તેમજ વિદેશમાંથી આવેલા ભક્તોએ વીરપુર ધામની મુલાકાત લઈ જલારામબાપાના ચરણોમાં શીશ નમાવ્યું હતું. સમગ્ર દિવસ દરમિયાન યાત્રાધામમાં ભક્તોની અવરજવર ચાલુ રહી હતી અને ભક્તિનો માહોલ છવાયેલો રહ્યો હતો.