જાણીતા સંગીતકાર ગૌરાંગ વ્યાસનું અમદાવાદમાં નિધન, ગુજરાતી સંગીત જગતને મોટી ખોટ

ગુજરાતી સંગીત જગત માટે દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જાણીતા સંગીતકાર ગૌરાંગ વ્યાસનું 87 વર્ષની વયે અમદાવાદમાં મોડી રાત્રે નિધન થયું છે. તેમના અવસાનથી ગુજરાતી ફિલ્મ અને સંગીત ક્ષેત્રમાં શોકની લાગણી ફેલાઈ છે.
સંગીતની વિરાસત પિતાથી મળી
ગૌરાંગ વ્યાસને સંગીતની કળા વારસામાં મળી હતી. તેમના પિતા જાણીતા સંગીતકાર અવિનાશ વ્યાસ હતા. ગૌરાંગ વ્યાસે લોકસંગીત, ભજન, રાસ-ગરબા અને ગઝલ સહિત સંગીતના વિવિધ ક્ષેત્રોમાં નોંધપાત્ર યોગદાન આપ્યું હતું.
તેમણે 100થી વધુ ગુજરાતી ફિલ્મોમાં સંગીત આપ્યું હતું અને 500થી વધુ ગીતો તથા કવિ-ગઝલકારોની રચનાઓને સંગીતબદ્ધ કરી હતી. ‘લવની ભવાઈ’ જેવી જાણીતી ગુજરાતી ફિલ્મમાં તેમનું સંગીત ખાસ લોકપ્રિય બન્યું હતું.
અનેક સંગીત આલ્બમો રહ્યા લોકપ્રિય
ગૌરાંગ વ્યાસના ‘ભજન અનમોલ’, ‘જલારામની ઝૂંપડી’, ‘ગંગા સતીના ભજનો’, ‘કહત કબીર’, ‘નોન સ્ટોપ ડાંડિયા રાસ’ અને ‘પ્રાચીન પ્રભાતિયાં’ જેવા આલ્બમો લોકપ્રિય રહ્યા હતા.
તેમની જાણીતી રચનાઓમાં ‘આજ વગડાવો રુડા શરણાઈ…’ અને ‘મને એકલી મેલીને’ સહિતના ગીતોનો સમાવેશ થાય છે. ગુજરાતી ફિલ્મ અને સંગીત ક્ષેત્રમાં તેમના યોગદાન બદલ તેમને GIFA તરફથી ગોલ્ડન એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા.
24 નવેમ્બર 1938ના રોજ જન્મેલા ગૌરાંગ વ્યાસે દાયકાઓ સુધી ગુજરાતી સંગીતને સમૃદ્ધ બનાવ્યું. તેમના નિધનથી ગુજરાતી સંગીત જગતે એક પ્રતિભાશાળી સંગીતકારને ગુમાવ્યો છે.