જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળોને મોટી સફળતા: ‘ઓપરેશન અશદર’માં પહલગામ હુમલાનો મુખ્ય પાકિસ્તાની આતંકી યાસિર ઠાર, તમામ ૪ હુમલાખોરોનો સફાયો

શ્રીનગર:
જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદ સામે ચાલી રહેલી લડાઈમાં સુરક્ષાદળોએ એક ખૂબ જ મોટું ઓપરેશન પાર પાડ્યું છે. બડગાંવ જિલ્લાના દુર્ગમ પહાડી વિસ્તારમાં આવેલા અશદર ગલી ખાતે સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે થયેલી અથડામણમાં લશ્કર-એ-તૈયબાના ઘાતકી પાકિસ્તાની આતંકવાદી યાસિરને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો છે. સુરક્ષા એજન્સીઓના જણાવ્યા અનુસાર, યાસિર ૨૦૨૫ના પહલગામ આતંકી હુમલાનો મુખ્ય સૂત્રધાર હતો. આ આતંકીના ખાતમા સાથે જ પહલગામ હુમલાના તમામ ચારેય ગુનેગારોનો અંત આવી ગયો છે.
દુર્ગમ પહાડીઓમાં ચાલ્યું ‘ઓપરેશન અશદર’
સૂત્રો પાસેથી મળેલી ચોક્કસ બાતમીના આધારે જમ્મુ-કાશ્મીર પોલીસ અને સુરક્ષાદળોની સંયુક્ત ટીમે બડગાંવના અશદર ગલી વિસ્તારમાં ઘેરાબંધી કરી સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. આ દરમિયાન સુરક્ષાદળોને જોઈ આતંકીએ ગોળીબાર શરૂ કરી દીધો હતો. વળતા પ્રહારમાં સુરક્ષાદળોએ લશ્કર-એ-તૈયબાના પાકિસ્તાની આતંકી યાસિરને ઠાર કર્યો હતો. પોલીસ પ્રવક્તાના જણાવ્યા અનુસાર, યાસિર પાકિસ્તાનથી ઘૂસણખોરી કરીને ભારતમાં આવ્યો હતો અને ખીણમાં મોટી આતંકી ઘટનાઓને અંજામ આપવામાં સામેલ હતો.
પહલગામ હુમલાની આખી ટોળકી સાફ
ઉલ્લેખનીય છે કે, પહલગામ હુમલા બાદ સુરક્ષા એજન્સીઓએ આ ઘટના પાછળ જવાબદાર ચાર મુખ્ય આતંકવાદીઓની સંયુક્ત તસવીર જાહેર કરી હતી. આ હુમલામાં સામેલ સુલેમાન શાહ, જુનેદ રમઝાન અને લશ્કરના ટોચના કમાન્ડર હાશિમ મૂસાને (જે જુલાઈમાં ‘ઓપરેશન મહાદેવ’ દરમિયાન માર્યો ગયો હતો) સુરક્ષાદળો પહેલા જ ઠાર કરી ચૂક્યા હતા. હવે આ યાદીના છેલ્લા આતંકી યાસિરનો પણ સફાયો થતાં આ ભયાનક હુમલાના તમામ ગુનેગારોને તેમના અંજામ સુધી પહોંચાડી દેવાયા છે.
શું હતી ૨૨ એપ્રિલ ૨૦૨૫ની ઘટના?
૨૨ એપ્રિલ ૨૦૨૫ના રોજ જમ્મુ-કાશ્મીરના પ્રખ્યાત પ્રવાસન સ્થળ પહલગામ નજીક આવેલી બૈસરાન ઘાટીમાં આતંકીઓએ કાયરતાપૂર્ણ હુમલો કર્યો હતો. પાકિસ્તાની આતંકવાદીઓએ પ્રવાસીઓની ધાર્મિક ઓળખ પૂછીને નિર્દોષ લોકો પર અંધાધૂંધ બંદૂકો ચલાવી હતી. આ ક્રૂર હુમલામાં ૨૫ પ્રવાસીઓ અને ૧ સ્થાનિક નાગરિક સહિત કુલ ૨૬ લોકોના સત્તાવાર મોત થયા હતા.
આ સફળ ઓપરેશન બાદ સુરક્ષા એજન્સીઓએ દેશના દુશ્મનોને કડક ચેતવણી આપતા સંદેશ આપ્યો છે કે, નિર્દોષ નાગરિકોના લોહીનો વહેવડોવનારા ગુનેગારો ગમે તેટલા દુર્ગમ વિસ્તારોમાં ભાગી જાય, તેઓ સુરક્ષાદળોની નજર અને આકરા પ્રહારથી ક્યારેય બચી શકશે નહીં.