હાઈટેક SG હાઈવે પર ચોમાસામાં ફરી જળબંબાકાર: કર્ણાવતી જંક્શનથી પકવાન બ્રિજ સુધી પાણી ભરાતા ટ્રાફિકજામ

અમદાવાદ: શહેરમાં 18 સપ્ટેમ્બરની વહેલી સવારે પડેલા ધોધમાર વરસાદે એસ.જી. હાઈવે પર વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થાની સ્થિતિ ફરી ઉજાગર કરી છે. કર્ણાવતી જંક્શન, ગુરુદ્વારા અંડરબ્રિજથી પકવાન બ્રિજ તરફના માર્ગ સહિતના વિસ્તારોમાં પાણી ભરાઈ જતા વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. વરસાદ બંધ થયા બાદ પણ કલાકો સુધી પાણી ન ઓસરતાં ટ્રાફિકજામની સ્થિતિ સર્જાઈ હતી.
ગટરનું ઊંચું લેવલ અને રોડના ઢાળથી પાણી ભરાવાની સમસ્યા
કર્ણાવતી ક્લબની સામે બંને તરફના મુખ્ય માર્ગ પર વરસાદી પાણી ભરાઈ ગયું હતું. ગટરનું લેવલ ઊંચું હોવાથી પાણીનો યોગ્ય નિકાલ ન થતાં પાણી રસ્તા પર જ ભરાયેલું રહ્યું હતું. ટ્રાફિક વ્યવસ્થા જાળવવા માટે તાત્કાલિક સર્વિસ રોડ શરૂ કરવો પડ્યો હતો. ત્યારબાદ ડી-વોટરિંગ વાન મારફતે પમ્પિંગ કરીને પાણીનો નિકાલ કરવામાં આવ્યો હતો.
પકવાન બ્રિજના ઉત્તર છેડે કટ પાસે પણ વરસાદ પડતાં વારંવાર પાણી ભરાય છે. રોડની કિનારે રહેલો ઢાળ અને ખાડા જેવી સ્થિતિને કારણે પાણી એકઠું થઈ જાય છે. પાણી લાંબા સમય સુધી ભરાયેલું રહેતાં ટ્રાફિક ધીમો પડી જાય છે અને ક્યારેક પેલેડિયમ મોલ સુધી વાહનોની લાંબી કતારો જોવા મળે છે. પાણીમાં ડિવાઈડર ન દેખાતા અકસ્માતનું જોખમ પણ વધે છે.
ગયા વર્ષે બનાવેલી કેચપીટ બાદ પણ સ્થિતિ યથાવત
પકવાન અંડરબ્રિજથી બહાર નીકળીને થલતેજ અને ઝાયડસ બ્રિજ તરફ જતા એપ્રોચ રોડ નજીક પણ વરસાદ બાદ પાણી ભરાવાની સમસ્યા જોવા મળે છે. અહીં ગયા વર્ષે વરસાદી પાણીના નિકાલ માટે કેચપીટ અને ગટર વ્યવસ્થા કરવામાં આવી હતી. તેમ છતાં સામાન્ય વરસાદમાં પણ પાણી ભરાઈ જાય છે અને ભારે વરસાદમાં સ્થિતિ વધુ ગંભીર બને છે.
વોટર કમિટીના ચેરમેને તપાસની ખાતરી આપી
આ અંગે AMCના વોટર કમિટીના ચેરમેન ધરમશી દેસાઈએ જણાવ્યું હતું કે કર્ણાવતી ક્લબ પાસે બ્રિજનું કામ ચાલી રહ્યું હોવાથી વરસાદ દરમિયાન ટ્રાફિકની સમસ્યા સર્જાઈ હોઈ શકે છે. તેમના જણાવ્યા મુજબ, વરસાદ બંધ થયાના આશરે બે કલાકમાં પાણીનો નિકાલ થઈ ગયો હતો. તેમણે જણાવ્યું કે રોડ પર ગટર લાઈન છે જ્યારે વરસાદી પાણીની લાઈન હાઈવે તરફ છે.
ગુરુદ્વારા તરફથી પકવાન બ્રિજ તરફ ચઢતા પાણી ભરાવાની સમસ્યા અંગે તેમણે જણાવ્યું કે અગાઉ વરસાદી પાણીના નિકાલ માટે નવી ચેમ્બર બનાવવામાં આવી હતી. મુખ્ય લાઈનમાંથી પાણીનો નિકાલ થવા છતાં જો પાણી ભરાવાની સમસ્યા યથાવત રહેતી હોય તો સમગ્ર વ્યવસ્થાની તપાસ કરાવવામાં આવશે.