ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ: મહુવામાં 4.13 ઈંચ, ગોંડલમાં 3.62 ઈંચ વરસાદ; 93 તાલુકા ભીંજાયા

ગુજરાતમાં છેલ્લા 24 કલાક દરમિયાન મેઘરાજાએ અનેક વિસ્તારોમાં ધમાકેદાર હાજરી નોંધાવી છે. 20 સપ્ટેમ્બરના સવારે 6 વાગ્યાથી 21 સપ્ટેમ્બરના સવારે 6 વાગ્યા સુધીમાં રાજ્યના 93 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌરાષ્ટ્રમાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે.
મહુવામાં સૌથી વધુ 105 મિમી વરસાદ
ભાવનગર જિલ્લાના મહુવામાં 105 મિમી (4.13 ઈંચ) વરસાદ ખાબક્યો છે, જે રાજ્યમાં સૌથી વધુ છે. ત્યારબાદ રાજકોટના ગોંડલમાં 92 મિમી (3.62 ઈંચ) અને જૂનાગઢના માણાવદરમાં 71 મિમી (2.80 ઈંચ) વરસાદ નોંધાયો છે.
જૂનાગઢ શહેરમાં 60 મિમી (2.36 ઈંચ) અને વંથલીમાં 52 મિમી (2.05 ઈંચ) વરસાદ થયો છે. ભારે વરસાદને કારણે કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયા છે, જ્યારે વરસાદથી ખેડૂતોને પણ રાહત મળી છે.
સૌરાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ
ગીર સોમનાથના પાટણ-વેરાવળમાં 50 મિમી (1.97 ઈંચ), દેવભૂમિ દ્વારકાના ભાણવડમાં 49 મિમી (1.93 ઈંચ), અમરેલીના કુંકાવાવ-વાડિયામાં 44 મિમી (1.73 ઈંચ) અને રાજકોટના જસદણમાં 40 મિમી (1.57 ઈંચ) વરસાદ નોંધાયો છે. સુરત શહેરમાં પણ 39 મિમી (1.54 ઈંચ) વરસાદ વરસ્યો છે.
રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ થતાં ગરમી અને ઉકળાટમાંથી લોકોને રાહત મળી છે. ખેડૂતોમાં પણ વરસાદથી ખુશી જોવા મળી રહી છે.
નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
હવામાન વિભાગના નાઉકાસ્ટ મુજબ આજે સવારે 7થી 10 વાગ્યા સુધી નવસારી, વલસાડ અને ડાંગમાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત દીવ-દમણ અને દાદરા અને નગર હવેલી માટે પણ વરસાદની ચેતવણી આપવામાં આવી છે.