કાનપુરની ટાયર ફેક્ટરીમાં ભયાનક વિસ્ફોટ, ઓઈલ ટેન્ક ફાટતાં 2 શ્રમિકોના મોત

ઉત્તર પ્રદેશના કાનપુર દેહાતમાં આવેલી ટાયર ફેક્ટરીમાં ઓઈલ ટેન્કમાં પ્રચંડ વિસ્ફોટ થતાં ભીષણ આગ લાગી હતી. ગજનેર પોલીસ સ્ટેશન વિસ્તારના જરિહા ગામમાં આવેલી ઓમ જેવીઆરડી ટાયર ફેક્ટરીમાં બનેલી આ દુર્ઘટનામાં બે શ્રમિકોના મોત થયા છે. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
ઓઈલ ટેન્કમાં અચાનક થયો પ્રચંડ બ્લાસ્ટ
મળતી માહિતી મુજબ, જૂના ટાયરોને પ્રોસેસ કરીને તેમાંથી ઓઈલ કાઢવાની કામગીરી ફેક્ટરીમાં કરવામાં આવે છે. પ્લાન્ટમાં ઓઈલ સ્ટોરેજ માટે બે મોટી ટેન્ક આવેલી છે. સાંજે આશરે 5:50 વાગ્યે તેમાંથી એક ટેન્કમાં અચાનક જોરદાર વિસ્ફોટ થયો હતો અને ત્યારબાદ ભીષણ આગ ફાટી નીકળી હતી.
વિસ્ફોટ બાદ આકાશમાં કાળા ધુમાડાના ગોટા જોવા મળ્યા હતા અને આગની જ્વાળાઓ દૂર સુધી દેખાઈ રહી હતી. ઘટનાની જાણ થતાં જ માતી ફાયર સ્ટેશનની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયર બ્રિગેડે પાણીનો છંટકાવ કર્યા બાદ ખાસ ફાયર-ફાઇટિંગ ફોમનો ઉપયોગ કરીને આગ પર કાબૂ મેળવ્યો હતો.
બે શ્રમિકોના મોતની પુષ્ટિ
ઘટનાની જાણ થતાં કાનપુર દેહાતના એસપી શ્રદ્ધા નરેન્દ્ર પાંડે, એડિશનલ એસપી સહિતના પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. પોલીસ અધિકારીઓએ બે શ્રમિકોના મોતની પુષ્ટિ કરી છે. બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યા છે. હાલ અન્ય કોઈ વ્યક્તિ ઘાયલ થઈ હોવાની માહિતી સામે આવી નથી.
ફેક્ટરી માલિક અને મેનેજરની પૂછપરછ
દુર્ઘટના બાદ પોલીસે ફેક્ટરીના માલિક અને ડ્યુટી મેનેજરને પૂછપરછ માટે બોલાવ્યા છે. ફેક્ટરીમાં સુરક્ષાના નિયમોનું યોગ્ય રીતે પાલન થતું હતું કે નહીં અને ઓઈલ ટેન્કમાં વિસ્ફોટ કયા કારણોસર થયો તેની તપાસ શરૂ કરવામાં આવી છે.
હાલ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લેવામાં આવ્યો છે અને કોઈ વધુ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ઘટનાસ્થળે પોલીસ અને સંબંધિત અધિકારીઓ દ્વારા નજર રાખવામાં આવી રહી છે.