અમદાવાદમાં આજે ગણેશ વિસર્જન: રિવરફ્રન્ટ નજીકના અનેક રસ્તા બંધ, વૈકલ્પિક રૂટ જાહેર

અમદાવાદમાં આજે, 25 સપ્ટેમ્બરે, ગણેશ વિસર્જનને ધ્યાનમાં રાખીને શહેરના અનેક મુખ્ય માર્ગો પર વાહનવ્યવહાર બંધ અથવા નિયંત્રિત કરવામાં આવ્યો છે. બપોરે 1 વાગ્યા બાદ સરદાર બ્રિજ, એલિસબ્રિજ તેમજ રિવરફ્રન્ટ ઈસ્ટ અને વેસ્ટ તરફના માર્ગો સહિતના કેટલાક રસ્તાઓ સામાન્ય વાહનવ્યવહાર માટે બંધ રહેશે.
ટ્રાફિક વ્યવસ્થા જાળવવા માટે અમદાવાદ પોલીસ દ્વારા જાહેરનામું બહાર પાડીને વાહનચાલકો માટે વૈકલ્પિક રૂટ પણ જાહેર કરવામાં આવ્યા છે. શહેરમાં ટ્રાફિકનું ભારણ વધવાની શક્યતા હોવાથી એરપોર્ટ અને રેલવે સ્ટેશન તરફ જતા લોકોને 1થી 2 કલાક વહેલા નીકળવાની અપીલ કરવામાં આવી છે.
બપોરે 1 વાગ્યા બાદ આ માર્ગો રહેશે બંધ
1. ગીતામંદિરથી પાલડી તરફનો માર્ગ
એસ.ટી. ગીતામંદિરથી જમાલપુર બ્રિજ થઈ સરદાર બ્રિજ મારફતે પાલડી તરફ જતો માર્ગ બંધ રહેશે.
વૈકલ્પિક રૂટ: ગીતામંદિરથી જમાલપુર બ્રિજની નીચેથી બહેરામપુરા, દાણીલીમડા ચાર રસ્તા, આંબેડકર બ્રિજ, અંજલી ચાર રસ્તા, પાલડી ચાર રસ્તા અને આશ્રમ રોડ તરફ જઈ શકાશે.
2. ગીતામંદિરથી રેલવે સ્ટેશન તરફનો માર્ગ
એસ.ટી. ગીતામંદિરથી રાયપુર ચાર રસ્તા, સારંગપુર સર્કલ થઈ રેલવે સ્ટેશનના ઈનગેટ તરફ જતો માર્ગ બંધ રહેશે.
વૈકલ્પિક રૂટ: એસ.ટી. સ્ટેશનથી ભુલાભાઈ ચાર રસ્તા, કાંકરિયા ચોકી, અપ્સરા સિનેમા, અનુપમ સિનેમા, ગોમતીપુર રેલવે કોલોની, કાળીદાસ ચાર રસ્તા, સરસપુર આંબેડકર હોલ, કાલુપુર બ્રિજ થઈ નરોડા તરફ જઈ શકાશે.
3. કાલુપુરથી એલિસબ્રિજ ટાઉન હોલ તરફનો માર્ગ
કાલુપુર રેલવે સ્ટેશનથી સારંગપુર સર્કલ, કાગડાપીઠ, રાયપુર ચાર રસ્તા, આસ્ટોડિયા દરવાજા, ખમાસા ચાર રસ્તા અને વિક્ટોરિયા ગાર્ડન થઈ એલિસબ્રિજ ટાઉન હોલ સુધીનો માર્ગ બંધ રહેશે.
વૈકલ્પિક રૂટ: કાલુપુર રેલવે સ્ટેશનથી કાલુપુર સર્કલ, આંબેડકર હોલ, ગોમતીપુર રેલવે કોલોની, અનુપમ સિનેમા, અપ્સરા સિનેમા, દાણીલીમડા, આંબેડકર બ્રિજ, અંજલી ચાર રસ્તા અને પાલડી થઈ આશ્રમ રોડ તરફ જઈ શકાશે.
4. રખિયાલથી ગુરુદ્વારા ચાર રસ્તા તરફનો માર્ગ
રખિયાલ ચાર રસ્તાથી કાળીદાસ ચાર રસ્તા, ચારતોળા કબરસ્તાન, ડબ્બા બજાર, સરસપુર આઈટીઆઈ થઈ ગુરુદ્વારા ચાર રસ્તા સુધીનો માર્ગ બંધ રહેશે.
વૈકલ્પિક રૂટ: રખિયાલ ચાર રસ્તાથી ગરીબનગર ચાર રસ્તા, મેમ્કો ચાર રસ્તા અને નરોડા ફ્રુટ માર્કેટ થઈ કાલુપુર તરફ જઈ શકાશે.
5. દિલ્હી દરવાજાથી દધીચી બ્રિજ તરફના માર્ગો
દિલ્હી દરવાજા નમસ્તે સર્કલથી ટ્રાફિક ભવન, જૂની પોલીસ કમિશનર કચેરી, કેન્દ્રીય વિદ્યાલયના કટ થઈ દધીચી બ્રિજ સુધીનો માર્ગ બંધ રહેશે. આ ઉપરાંત દિલ્હી દરવાજાથી લીમડા ચોક અને લીથો પ્રેસ થઈ દધીચી બ્રિજ સુધીનો માર્ગ પણ વાહનવ્યવહાર માટે બંધ રહેશે.
વૈકલ્પિક રૂટ: દિલ્હી દરવાજાથી ઈદગાહ સર્કલ થઈ અસારવા અને શાહીબાગ તરફ જઈ શકાશે. તેમજ દિલ્હી દરવાજાથી શાહપુર ચાર રસ્તા, શંકરભુવન, ગાંધી બ્રિજ અને ઈન્કમટેક્સ તરફ જઈ શકાશે.
રિવરફ્રન્ટના માર્ગો પણ બંધ
ગણેશ વિસર્જનને ધ્યાનમાં રાખીને રિવરફ્રન્ટ ઈસ્ટ અને રિવરફ્રન્ટ વેસ્ટ તરફના માર્ગો પણ તમામ પ્રકારના વાહનવ્યવહાર માટે બંધ રહેશે.
પોલીસ દ્વારા વાહનચાલકોને વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા અપીલ કરવામાં આવી છે. મુખ્ય માર્ગો પર ટ્રાફિકનું ભારણ વધવાની શક્યતા હોવાથી મુસાફરોએ પોતાના પ્રવાસ માટે વધારાનો સમય રાખવા અને શક્ય હોય ત્યાં સુધી વૈકલ્પિક રૂટનો ઉપયોગ કરવા સલાહ આપવામાં આવી છે.