કોકરોચ આંદોલન વચ્ચે ખેડૂતોની દિલ્હી કૂચ, શંભુ બોર્ડર પર હાઈ અલર્ટ

નવી દિલ્હી: ભારત-અમેરિકા વચ્ચે પ્રસ્તાવિત ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA)ના વિરોધમાં ખેડૂતોનું આંદોલન તેજ બન્યું છે. ‘દેશ બચાવો મોરચા’ના આહ્વાન પર પંજાબના હજારો ખેડૂતો દિલ્હી તરફ કૂચ કરવા માટે શંભુ બોર્ડર પર એકત્ર થયા છે. આ દરમિયાન ભારતીય કિસાન યુનિયન (ચઢૂની)ના પ્રમુખ ગુરનામ સિંહ ચઢૂનીની હરિયાણા પોલીસે અટકાયત કરતાં વિરોધ વધુ ઉગ્ર બન્યો છે.
શંભુ બોર્ડર પર કડક સુરક્ષા
ખેડૂતોના માર્ચને ધ્યાનમાં રાખીને શંભુ બોર્ડર પર સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત કરવામાં આવી છે. સમગ્ર વિસ્તારમાં ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 163 લાગુ કરવામાં આવી છે. પોલીસ દ્વારા બેરિકેડ્સ ગોઠવીને અનેક માર્ગો પર વાહનવ્યવહાર નિયંત્રિત કરવામાં આવ્યો છે અને એન્ટી-રાયટ ગિયર સાથે સુરક્ષા દળોને તહેનાત કરવામાં આવ્યા છે.
ખેડૂતો FTAનો વિરોધ કેમ કરી રહ્યા છે?
ખેડૂત સંગઠનોનું કહેવું છે કે ભારત-અમેરિકા FTA અમલમાં આવશે તો વિદેશી કૃષિ અને ડેરી ઉત્પાદનો ભારતીય બજારમાં મોટા પ્રમાણમાં પ્રવેશ કરશે. તેના કારણે સ્થાનિક ખેડૂતોને ભાવમાં સ્પર્ધાનો સામનો કરવો પડશે, કૃષિ આવક પર અસર પડશે અને નાના ખેડૂતો તથા ગ્રામિણ અર્થતંત્રને નુકસાન થઈ શકે છે.
ખેડૂત નેતાઓની હાજરી
આંદોલનને સમર્થન આપવા માટે સંયુક્ત કિસાન મોરચા (બિન-રાજકીય) અને કિસાન મજદૂર મોરચાના નેતાઓ પણ શંભુ બોર્ડર પર પહોંચી રહ્યા છે. ખેડૂત નેતા સરવણ સિંહ પંઢેર સહિત અનેક આગેવાનો વિરોધ પ્રદર્શનનું નેતૃત્વ કરી રહ્યા છે.
ખેડૂત સંગઠનોએ સ્પષ્ટ કર્યું છે કે સરકાર તેમની માંગણીઓ પર યોગ્ય નિર્ણય નહીં લે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે. વેપાર નીતિ અને ખેડૂતોના હિતો સાથે જોડાયેલા આ મુદ્દાને લઈને સમગ્ર દેશની નજર હવે શંભુ બોર્ડરની સ્થિતિ પર કેન્દ્રિત થઈ છે.