Yes TV

News Website

બ્રાહ્મણો વિરુદ્ધ વિવાદિત નિવેદન IAS અધિકારીને ભારે પડ્યું, સરકારે કામ છીનવ્યું, હવે બરતરફીના સંકેત

બ્રાહ્મણો વિરુદ્ધ વિવાદિત નિવેદન IAS અધિકારીને ભારે પડ્યું, સરકારે કામ છીનવ્યું, હવે બરતરફીના સંકેત
Views 6

અશોભનીય અને વિવાદાસ્પદ નિવેદનોને કારણે, મધ્યપ્રદેશ સરકારે IAS અધિકારી અને અજાક્સ (AJAKS)ના પ્રદેશ અધ્યક્ષ સંતોષ વર્મા વિરુદ્ધ મોટું પગલું ભર્યું છે. આ અધિકારીને નોકરીમાંથી બરતરફ કરવા માટેનો પ્રસ્તાવ કેન્દ્ર સરકારને મોકલી દેવાયો છે. મુખ્યમંત્રી મોહન યાદવના આદેશના અનુસંધાનમાં, વર્માને તેમના પદ પરથી હટાવીને કોઈ કામગીરી સોંપ્યા વિના GAD(સામાન્ય વહીવટ વિભાગ)માં ‘અટૅચ’ કરી દેવાયા છે.

વિવાદિત નિવેદન બન્યું કારણ

આ કાર્યવાહી માટેનું કારણ IAS વર્માએ 23 નવેમ્બરના રોજ ભોપાલમાં AJAKSના સ્ટેટ લેવલ કન્વેન્શનમાં આપેલું વિવાદાસ્પદ નિવેદન છે. જેમાં તેમણે કહ્યું હતું કે, ‘જ્યાં સુધી કોઈ બ્રાહ્મણ પોતાની દીકરી મારા દીકરાને દાન ન કરી દે, ત્યાં સુધી તેને(દીકરાને) રિઝર્વેશન મળવું જોઈએ.’
આ નિવેદનનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થતાં, બ્રાહ્મણ સમુદાયમાં તીવ્ર રોષ જોવા મળ્યો હતો. પરિણામે, માત્ર રાજ્યમાં જ નહીં પણ સમગ્ર દેશમાં સંતોષ વર્મા સામે કડક કાર્યવાહીની માંગ ઉઠી હતી.

વર્માની આ ટિપ્પણીથી નારાજ થઈને 65 બ્રાહ્મણ સંગઠનોએ શુક્રવારે વિરોધ પ્રદર્શન કરવાની અને 14 ડિસેમ્બરે મુખ્યમંત્રીના નિવાસસ્થાનનો ઘેરાવ કરવાની જાહેરાત કરી હતી. તેમણે ચેતવણી આપી હતી કે જો પગલાં નહીં લેવાય, તો આખા રાજ્યમાં બંધની તૈયારી કરવામાં આવશે.
આ દરમિયાન, વર્માની અન્ય એક તાજેતરની ટિપ્પણીથી વિવાદમાં ઘી હોમાયું, જ્યારે તેમણે એક કાર્યક્રમમાં કહ્યું કે, ‘આ હાઈકોર્ટ જ છે જે ST કેટેગરીના બાળકોને સિવિલ જજ બનતા અટકાવી રહી છે… આ એ જ હાઈકોર્ટ છે જેની પાસેથી આપણે બંધારણનું પાલન કરવાની ગેરંટી માંગીએ છીએ.’CM મોહન યાદવે સખત કાર્યવાહીનો આદેશ આપ્યો

આ પછી, મોડી રાત્રે જાહેર કરાયેલા એક સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું કે મુખ્યમંત્રી મોહન યાદવે સંતોષ વર્મા કેસની નોંધ લીધી છે અને GADને સખત કાર્યવાહી કરવાના નિર્દેશ આપ્યા છે.નિવેદનમાં જણાવવામાં આવ્યું કે, ‘વર્માએ રાજ્ય વહીવટી સેવામાંથી ભારતીય વહીવટી સેવા(IAS)ના પ્રમોશન ઓર્ડરમાં છેતરપિંડી કરી હતી અને તેમની વિરુદ્ધ વિવિધ કોર્ટમાં ફોજદારી કેસ પેન્ડિંગ છે. સરકારે આના તરત બાદ જ બરતરફીનો પ્રસ્તાવ કેન્દ્ર સરકારને મોકલી આપ્યો છે.’
સરકારે વધુમાં કહ્યું કે, ‘બનાવટી અને મનઘડંત દસ્તાવેજોના આધારે ‘ઇન્ટિગ્રિટી સર્ટિફિકેટ’ મેળવવાના આરોપમાં વર્મા સામે વિભાગીય તપાસ તેના અંતિમ તબક્કામાં છે અને હાલના કેસમાં કારણ બતાવો નોટિસ પર તેમનો જવાબ સંતોષકારક નથી. તેઓ સતત ગેરવ્યાજબી નિવેદનો આપી રહ્યા છે અને તેથી તેમની સામે ‘ચાર્જશીટ’ દાખલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.જણાવી દઈએ કે રાજ્ય સરકાર IAS અધિકારીઓને સસ્પેન્ડ કરી શકે છે, પરંતુ તેમને બરતરફ કરી શકતી નથી, કારણ કે આ સત્તા કેન્દ્ર સરકાર પાસે છે, જે રાષ્ટ્રપતિના હસ્તાક્ષર પછી લાગુ થાય છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *