ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીને પક્ષમાં મોટા ફેરફારો કરવાની તૈયારી શરૂ કરી દીધી છે. તેમણે ભાજપના કેટલાક હોદ્દા માટે વય મર્યાદા લાદવાનો પ્રસ્તાવ મૂક્યો છે. 45 વર્ષના નીતિન નબીન ભાજપના અત્યાર સુધીના સૌથી યુવા પ્રમુખ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ તેમને ‘મિલેનિયલ નેતા’ તરીકે ઓળખાવ્યા છે. હવે નબીન ભાજપને યુવાનોની પાર્ટી બનાવવા માંગે છે.35 વર્ષની વયમર્યાદાનો પ્રસ્તાવ વધાવી લેવાયોનવી યોજના મુજબ ભાજપના યુવા પાંખના રાષ્ટ્રીય અધ્યક્ષની ઉંમર 35 વર્ષ અથવા તેથી ઓછી રહેશે. એ જ રીતે, રાજ્ય યુવા પાંખના વડા 32 વર્ષની આસપાસના યુવા નેતા જ હશે. બુધવારે થયેલી બેઠકમાં આ વય મર્યાદાના કડક પાલન પર સહમતિ બની છે.
આવનારા વર્ષોમાં પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, કેરળ, આસામ અને પુડુચેરીમાં ચૂંટણીઓ યોજાવા જઈ રહી હોવાથી આ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં પક્ષના ચૂંટણી પ્રચાર માટે મજબૂત સંદેશાવ્યવહાર, સંગઠન અને સરકાર સાથે સંકલન કરવા બાબતે પણ આ બેઠકમાં ભાર મૂકવામાં આવ્યો હતો.
નીતિન નબીને પાર્ટીના નેતાઓને ખાસ સૂચના આપતાં કહ્યું હતું કે, કોઈપણ નેતાએ ગમે ત્યાં એલફેલ નિવેદનો આપવા નહીં. મીડિયા સાથે વાત કરવી હોય તો ફક્ત સત્તાવાર વ્યક્તિઓએ જ પાર્ટીના વિચારો રજૂ કરવા, બાકીના નેતાઓએ બોલવામાં સાવધાની રાખવી.
બેઠકમાં ભાજપ સંગઠન મહાસચિવ બી.એલ. સંતોષે એવો પ્રસ્તાવ રજૂ કર્યો હતો કે મજૂરો અને ખેડૂતો સુધી પહોંચવા માટે ભાજપે અલગ ટીમો બનાવવી જોઈએ. ખાસ કરીને, ‘વિકસિત ભારત’ અને ‘જી રામ જી’ જેવી યોજનાઓના ફાયદા લોકો બરાબર સમજી શકે, એ માટે અલગ પ્રચાર સેલ બનાવવાનો વિચાર એમણે રજૂ કર્યો હતો.
ટૂંકમાં, નીતિન નબીનને કાર્યભાર સંભાળતા જ ભાજપમાં યુવાનોને વધુ તકો આપવા, ચૂંટણી પ્રચારને મજબૂત બનાવવા અને પાર્ટીના સંદેશને વ્યવસ્થિત રીતે પહોંચાડવાની જરૂરિયાત પર ભાર મૂકીને હકારાત્મક શરૂઆત કરી છે.














Leave a Reply