‘જન ગણ મન’ની જેમ હવે રાષ્ટ્રીય ગીત ‘વંદે માતરમ્’ માટે પણ સન્માનની સ્પષ્ટ રીત-રીવાજો નક્કી કરવાની તૈયારી કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવી રહી છે. સરકાર ‘વંદે માતરમ્’ને રાષ્ટ્રગાન સમકક્ષ દરજ્જો અને સન્માન આપવા માટે ઔપચારિક પ્રોટોકોલ લાવવાની યોજના પર વિચાર કરી રહી છે. મીડિયા અહેવાલો મુજબ, આ મુદ્દે તાજેતરમાં ગૃહ મંત્રાલયે એક ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી, જેમાં વિગતવાર ચર્ચા થઈ છે.
હાલની સ્થિતિ શું છે?
ભારતીય બંધારણ મુજબ રાષ્ટ્રગાન ‘જન ગણ મન’ અને રાષ્ટ્રીય ગીત ‘વંદે માતરમ્’ બંનેને સમાન માન-આદર આપવામાં આવ્યો છે. જોકે, અમલ અને કાયદાકીય જોગવાઈઓની બાબતમાં બંને વચ્ચે મોટો તફાવત છે. રાષ્ટ્રગાન માટે સ્પષ્ટ નિયમો અને કાયદા અમલમાં છે, જેમાં તેના ગાયન સમયે ઊભા રહેવું ફરજિયાત છે અને અપમાન કરનાર સામે ‘રાષ્ટ્રીય સન્માન અપમાન નિવારણ અધિનિયમ, 1971’ હેઠળ કાર્યવાહી થઈ શકે છે.
તેની સામે, ‘વંદે માતરમ્’ માટે અત્યાર સુધી કોઈ લેખિત પ્રોટોકોલ કે ફરજિયાત કાયદાકીય નિયમો ન હોવાથી તેના ગાયન સમયે ઊભા રહેવાની કે ખાસ શિસ્ત જાળવવાની કોઈ બાંધછોડ નથી.
ગૃહ મંત્રાલયની બેઠકમાં શું ચર્ચાયું?
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બેઠકમાં મુખ્યત્વે એ મુદ્દાઓ પર વિચાર થયો કે ‘વંદે માતરમ્’ના ગાયન માટે પણ સમય, સ્થળ અને પદ્ધતિ અંગે સ્પષ્ટ નિયમો બનાવવામાં આવવા જોઈએ કે નહીં. સાથે જ, રાષ્ટ્રગાનની જેમ જ રાષ્ટ્રીય ગીત વખતે પણ નાગરિકો માટે સન્માનરૂપે ઊભા રહેવું ફરજિયાત કરવું યોગ્ય રહેશે કે કેમ, તે અંગે ગંભીર ચર્ચા થઈ છે.
આ ઉપરાંત, જો ભવિષ્યમાં ‘વંદે માતરમ્’નું અપમાન થાય તો તેના માટે દંડાત્મક અને કાયદાકીય કાર્યવાહી કરવાની જોગવાઈઓ લાવવી જોઈએ કે નહીં, એ દિશામાં પણ સરકાર વિચારી રહી હોવાનું જણાવાયું છે.
રાજકીય વિવાદ અને પૃષ્ઠભૂમિ
આ મુદ્દો એવા સમયે સામે આવ્યો છે જ્યારે દેશભરમાં ‘વંદે માતરમ્’ના ઉત્સવની ઉજવણી ચાલી રહી છે. પરિણામે, ભાજપ અને કોંગ્રેસ વચ્ચે રાજકીય ટકરાવ તેજ થયો છે. ભાજપનો આરોપ છે કે કોંગ્રેસે વર્ષો સુધી તુષ્ટિકરણની રાજનીતિ કરીને રાષ્ટ્રીય ગીતના મહત્ત્વને ઓછી પ્રાથમિકતા આપી.
ભાજપ વધુમાં દાવો કરે છે કે 1937ના કોંગ્રેસ અધિવેશન દરમિયાન ‘વંદે માતરમ્’ના કેટલાક છંદોને દૂર કરવાનો નિર્ણય દેશના વિભાજન તરફનું એક પગથિયું હતો. જ્યારે કોંગ્રેસે આ આરોપોને નકારી કાઢતાં કહ્યું છે કે ભાજપ રાજકીય લાભ માટે ઇતિહાસને વિકૃત કરી રહ્યો છે અને આવનારી પશ્ચિમ બંગાળની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ સંવેદનશીલ મુદ્દાને ઉછાળવામાં આવી રહ્યો છે.
‘વંદે માતરમ્’નું ઐતિહાસિક મહત્વ
બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય દ્વારા રચાયેલ ‘વંદે માતરમ્’ સ્વદેશી આંદોલન (1905-08) દરમિયાન સ્વતંત્રતાનો પ્રેરક નારો બન્યું હતું. 2022માં કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં જણાવ્યું હતું કે રાષ્ટ્રીય ગીત માટે કોઈ દંડાત્મક સૂચનાઓ હજી અમલમાં નથી, પરંતુ હવે સરકાર તેને ફરીથી તેના ગૌરવપૂર્ણ સ્થાન પર સ્થાપિત કરવા સક્રિય બની હોવાનું માનવામાં આવી રહ્યું છે.














Leave a Reply