શશિ થરૂર બાદ હવે કોંગ્રેસના વધુ એક દિગ્ગજ નેતાએ પાર્ટી સામે અસંતોષ વ્યક્ત કર્યો હોવાનું જણાઈ રહ્યું છે. પંજાબ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ નવજોતસિંહ સિદ્ધુએ શાયરાના અંદાજમાં કરેલા એક સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા પાર્ટીના હાઈકમાન્ડ પર આડકતરી રીતે પ્રહાર કર્યો છે. આ સમગ્ર ઘટનાનો કડિયો રાહુલ ગાંધી દ્વારા દિલ્હીમાં યોજાયેલી હાઈલેવલ બેઠક સાથે જોડાઈ રહ્યો છે, જેમાં વર્ષ 2027ની પંજાબ વિધાનસભા ચૂંટણીની વ્યૂહરચના અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં પંજાબના વર્તમાન અને પૂર્વ વરિષ્ઠ નેતાઓને આમંત્રિત કરવામાં આવ્યા હતા, પરંતુ નવજોતસિંહ સિદ્ધુને આમંત્રણ ન મળ્યું હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
રાહુલ ગાંધીની આ બેઠકમાં સિદ્ધુની ગેરહાજરીએ રાજકીય વર્તુળોમાં અનેક સવાલો ઉભા કર્યા હતા. બાદમાં એવી વાતો સામે આવી કે સિદ્ધુને બેઠક માટે આમંત્રણ જ મોકલવામાં આવ્યું ન હતું. આ અવગણનાથી નારાજ બનેલા સિદ્ધુએ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો હતો, જેમાં તેમણે કોઈનું નામ લીધા વગર કોંગ્રેસની આંતરિક રાજનીતિ પર પ્રહાર કર્યો હતો. પોતાના ખાસ શાયરાના અંદાજમાં સિદ્ધુએ કહ્યું હતું કે, “જે તમને નથી બોલાવતું, તેને છોડી દો. દરેક તમારા લાયક નથી હોતા. ઘણી વખત એકલા રહેવું જ વધુ સારું હોય છે.” તેમના આ શબ્દો સીધા દિલ્હીમાં યોજાયેલી બેઠક અને તેમાં થયેલી પોતાની અવગણનાને લઈને હોવાનું માનવામાં આવી રહ્યું છે.
મહત્વનું છે કે આ પહેલાં કોંગ્રેસના સાંસદ શશિ થરૂર પણ પાર્ટીના ટોચના નેતૃત્વ સામે નિવેદનો અને સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા સવાલો ઊભા કરી ચૂક્યા છે. હવે સિદ્ધુના વીડિયોએ કોંગ્રેસમાં ચાલતા આંતરિક ઘર્ષણને વધુ સ્પષ્ટ કરી દીધું છે. પંજાબ કોંગ્રેસમાં પહેલાથી જ જૂથબાજીની ચર્ચાઓ ચાલી રહી છે અને સિદ્ધુનો આ તાજો વીડિયો આ અણબનાવને વધુ મજબૂત કરે છે. જો કે, પાર્ટી તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આપવામાં આવી નથી, પરંતુ એટલું સ્પષ્ટ છે કે રાહુલ ગાંધીની બેઠક બાદ સામે આવેલા આ સંકેતો કોંગ્રેસની આંતરિક વ્યૂહરચના અને નેતૃત્વ અંગે ગંભીર સવાલો ઊભા કરી રહ્યા છે.














Leave a Reply