સિક્કિમમાં ભારે વરસાદ બાદ ભૂસ્ખલનનો કહેર, રિંબી ગામમાં અનેક મકાનો અને દુકાનો વહી ગયા

સિક્કિમના પશ્ચિમ વિસ્તારમાં આવેલા રિંબી ગામમાં મોડી રાત્રે ભારે વરસાદ બાદ અચાનક ભૂસ્ખલન થતાં ભારે નુકસાન થયું છે. યુક્સોમ અને તાશીડિંગ વિસ્તારમાં ભૂસ્ખલનના કારણે અનેક રહેણાક મકાનો, સરકારી ક્વાર્ટર અને દુકાનો કાટમાળની લપેટમાં આવી ગયા હતા.
મોડી રાત્રે તોફાની વરસાદ શરૂ થયા બાદ ભૂસ્ખલનની ઘટના બની હતી. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક તંત્ર અને બચાવ ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. અત્યાર સુધીમાં 128 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે.
અનેક મકાનો અને દુકાનોને નુકસાન
ભૂસ્ખલનના કારણે રિંબી ગામના અનેક વિસ્તારોમાં કાટમાળ ફેલાઈ ગયો છે. રહેણાક મકાનો ઉપરાંત સરકારી કર્મચારીઓ માટેના ક્વાર્ટર અને દુકાનોને પણ નુકસાન પહોંચ્યું છે. સ્થાનિક લોકો પણ બચાવ કામગીરીમાં તંત્રને મદદ કરી રહ્યા છે.
હાલમાં ઘટનામાં જાનહાનિ અંગે કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી. જોકે, મોટા પ્રમાણમાં કાટમાળ અને સતત વરસાદને કારણે બચાવ કામગીરીમાં મુશ્કેલી પડી રહી છે.
વધુ ભૂસ્ખલનની આશંકા
સિક્કિમના આ વિસ્તારમાં હજુ પણ વરસાદ ચાલુ હોવાથી તંત્ર દ્વારા લોકોને જોખમી વિસ્તારોમાંથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી છે. સતત વરસાદને કારણે ફરી ભૂસ્ખલન થવાની શક્યતા વચ્ચે બચાવ અને રાહત કામગીરી ચાલુ રાખવામાં આવી છે.
તંત્ર દ્વારા સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે અને અસરગ્રસ્ત લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી રહી છે.