26 દિવસ બાદ સોનમ વાંગચુકે ઉપવાસ સમાપ્ત કર્યો, કેન્દ્રે ત્રણ મુખ્ય માંગણીઓ પર આપ્યું આશ્વાસન

નવી દિલ્હીમાં સામાજિક કાર્યકર સોનમ વાંગચુકે 26 દિવસથી ચાલી રહેલી ભૂખ હડતાળનો અંત લાવ્યો છે. કેન્દ્રીય મંત્રી જે.પી. નડ્ડા અને ડૉ. જિતેન્દ્ર સિંહ સાથેની બેઠક બાદ તેમણે જ્યૂસ પી પારણાં કર્યા. NEET પેપર લીક મુદ્દે ચાલી રહેલા આંદોલન દરમિયાન કેન્દ્ર સરકારે તેમની ત્રણ મુખ્ય માંગણીઓ પર સકારાત્મક વલણ દાખવતાં ઉપવાસ સમાપ્ત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો.
વાંગચુકે જણાવ્યું કે સરકાર અને વિવિધ રાજકીય પક્ષોના સાંસદોએ પરીક્ષા વ્યવસ્થામાં સુધારા માટે સંસદમાં ચર્ચા કરવાની ખાતરી આપી છે. ઉપરાંત, શાંતિપૂર્ણ વિરોધ કરનારા વિદ્યાર્થીઓ અને યુવાનો સામે કોઈ કાર્યવાહી નહીં થાય તેમજ NEET પેપર લીકના કારણે જીવ ગુમાવનાર વિદ્યાર્થીઓના પરિવારોને યોગ્ય વળતર આપવાની પણ ખાતરી આપવામાં આવી છે.
ઉપવાસ સમાપ્ત કર્યા બાદ વાંગચુકે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર લખ્યું કે લાંબી ચર્ચા અને દેશભરમાં સંભવિત હિંસાની સ્થિતિને ધ્યાનમાં રાખીને તેમણે આ નિર્ણય લીધો છે. તેમણે વિદ્યાર્થીઓને શાંતિપૂર્ણ રીતે આંદોલન ચાલુ રાખવાની અપીલ પણ કરી હતી.
શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ અંગે વાંગચુકે જણાવ્યું કે સરકાર તરફથી આ મુદ્દે કોઈ સ્પષ્ટ આશ્વાસન મળ્યું નહોતું. તેથી તેમણે રાજીનામાની માંગ પર આગ્રહ રાખવાને બદલે પરીક્ષા સુધારા, વિદ્યાર્થીઓની સુરક્ષા અને પીડિત પરિવારોને ન્યાય જેવા મુદ્દાઓને પ્રાથમિકતા આપવાનું પસંદ કર્યું.
મળતી માહિતી મુજબ વાંગચુકના સતત બગડતા સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારના ઉચ્ચ સ્તરે ચર્ચા થઈ હતી. ગૃહમંત્રી અમિત શાહના માર્ગદર્શન હેઠળ આરોગ્ય મંત્રી જે.પી. નડ્ડા અને રાજ્ય મંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહે લાંબી બેઠક યોજી હતી. સરકાર તરફથી સકારાત્મક ખાતરી મળ્યા બાદ વાંગચુકે ઉપવાસ સમાપ્ત કર્યો અને હવે લદ્દાખ પરત ફરવાની ઇચ્છા વ્યક્ત કરી છે.