PoKમાં ફરી હિંસા: રાવલકોટમાં પ્રદર્શનકારીઓ પર ગોળીબાર, 9નાં મોત; ઇન્ટરનેટ સેવા બંધ

પાકિસ્તાન કબ્જા હેઠળના કાશ્મીર (PoK)ના રાવલકોટમાં વિરોધ પ્રદર્શન દરમિયાન થયેલા કથિત ગોળીબાર બાદ સ્થિતિ તંગ બની છે. અહેવાલો મુજબ પાકિસ્તાની સુરક્ષા દળોના ગોળીબારમાં ઓછામાં ઓછા 9 પ્રદર્શનકારીઓના મોત થયા છે, જ્યારે અનેક લોકો ઘાયલ થયા હોવાનું પણ જણાવાઈ રહ્યું છે. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ઇન્ટરનેટ સેવાઓ સ્થગિત કરી દેવામાં આવી છે.
જોઇન્ટ આવામી એક્શન કમિટી (JAAC)ના જણાવ્યા અનુસાર, સ્થાનિક લોકો પોતાની વિવિધ માંગણીઓને લઈને રસ્તા પર ઉતર્યા હતા. આ દરમિયાન સુરક્ષા દળો સાથે અથડામણ સર્જાઈ અને કથિત ગોળીબાર થયો. મૃતકોમાં ઉસ્માન નઝીર, કાશિફ, મોહમ્મદ ઇબ્રાહિમ, અરસલ અસગર, હનીફ મોહમ્મદ બશીર, વસીમ અફઝલ, બાબિત શાહ અને સાબિર ખાન સહિતના લોકોનો સમાવેશ થાય છે.
PoKમાં જૂન મહિનાથી સતત વિરોધ પ્રદર્શનો ચાલી રહ્યા છે. પ્રદર્શનકારીઓ વીજળીના વધતા દર, આર્થિક મુશ્કેલીઓ, સ્થાનિક લોકોને વધુ રાજકીય પ્રતિનિધિત્વ અને ધરપકડ કરાયેલા નેતાઓ તથા કાર્યકરોની મુક્તિ જેવી માંગણીઓ સાથે આંદોલન કરી રહ્યા છે. આ દરમિયાન અનેક વખત પોલીસ અને અર્ધસૈનિક દળો સાથે અથડામણની ઘટનાઓ સામે આવી છે, જેના કારણે સમગ્ર વિસ્તારમાં તણાવપૂર્ણ સ્થિતિ યથાવત છે.