ફેસબુક પરથી PM મોદીનો વીડિયો હટાવાયો, મેટાએ માફી માગી; કહ્યું- ટેકનિકલ ખામીના કારણે થયું

સોશિયલ મીડિયા કંપની મેટાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શેર કરાયેલ એક વીડિયો ફેસબુક પરથી હટાવવામાં આવવાના મામલે સત્તાવાર રીતે માફી માંગી છે. કંપનીએ જણાવ્યું કે વીડિયો ભૂલથી દૂર થઈ ગયો હતો અને આ ઘટના પાછળ કોઈ ઈરાદાપૂર્વકનું પગલું નહીં પરંતુ ટેકનિકલ ખામી જવાબદાર હતી. મેટાના જણાવ્યા અનુસાર હવે સંબંધિત વીડિયોને ફરીથી ફેસબુક પર ઉપલબ્ધ કરાવી દેવામાં આવ્યો છે.
આ મામલો ત્યારે ચર્ચામાં આવ્યો જ્યારે વડાપ્રધાન મોદીએ ગયા અઠવાડિયે CJP દ્વારા ચલાવવામાં આવી રહેલા વિરોધ પ્રદર્શન અંગેનો વીડિયો શેર કર્યો હતો. થોડા સમય બાદ આ વીડિયો ફેસબુક પરથી હટાવી દેવામાં આવ્યો હતો, જેના કારણે સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા અને વિવાદ સર્જાયો હતો.
વીડિયો હટાવવાના નિર્ણયને લઈને અનેક યુઝર્સ અને ટેકનોલોજી નિષ્ણાતોએ મેટાની કન્ટેન્ટ મોડરેશન નીતિ પર સવાલો ઉઠાવ્યા હતા. કેટલાકે આ ઘટનાને મોટી ટેક કંપનીઓના અતિશય હસ્તક્ષેપનું ઉદાહરણ ગણાવ્યું હતું અને યોગ્ય કારણ વિના વડાપ્રધાનના સોશિયલ મીડિયા કન્ટેન્ટને દૂર કરવું ગંભીર બાબત હોવાનું જણાવ્યું હતું.
વિવાદ વધતા મેટાએ પોતાની ભૂલ સ્વીકારી, સત્તાવાર માફી માંગી અને વીડિયો ફરીથી રિસ્ટોર કર્યો. જોકે, આ સમગ્ર ઘટનાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મની કન્ટેન્ટ મોડરેશન પ્રક્રિયા અને પારદર્શિતાને લઈને ફરી એકવાર ચર્ચા જગાવી છે.