અમદાવાદમાં રિક્ષા-ટેક્સી હડતાળઃ શટલ રિક્ષા ચાલકોને પણ રોકવામાં આવ્યા, પ્રતિ કિલોમીટર રૂ.20 ભાડાની માંગ

અમદાવાદ સહિત આસપાસના વિસ્તારોમાં રિક્ષા અને ટેક્સીચાલકોએ આજથી 10 સપ્ટેમ્બર સુધી હડતાળનું એલાન કર્યું છે. ઓનલાઇન બુકિંગ એપ્સ દ્વારા ઓછું ભાડું મળતું હોવા અને આવકમાં ઘટાડો થતો હોવાના આક્ષેપ સાથે ચાલકોએ હડતાળ શરૂ કરી છે.
હડતાળના પ્રથમ દિવસે શહેરના મોટાભાગના રૂટ પર શટલ રિક્ષા ચાલુ જોવા મળી હતી. જોકે, ઓનલાઇન એપ મારફતે બુકિંગ લઈને સેવા આપતા રિક્ષા અને ટેક્સીચાલકો હડતાળ પર રહ્યા હતા. કેટલાક હડતાળકારી ચાલકોએ શટલ રિક્ષા રોકીને મુસાફરોને નીચે ઉતાર્યા હોવાના બનાવો પણ સામે આવ્યા છે. આ ઉપરાંત રેપિડોની સહિતની ઓનલાઇન બાઇક સેવાઓના રાઇડર્સને પણ રોકીને રાઇડ કેન્સલ કરાવવામાં આવી હતી.
પ્રતિ કિલોમીટર રૂ.20 ભાડાની માંગ
રિક્ષા અને ટેક્સીચાલકોની મુખ્ય માંગ છે કે તેમને પ્રતિ કિલોમીટર ઓછામાં ઓછું રૂ.20 ભાડું મળવું જોઈએ. ચાલકોના જણાવ્યા મુજબ ઓનલાઇન એપ્સ પર તેમને ઘણી વખત પ્રતિ કિલોમીટર માત્ર રૂ.11થી રૂ.13 જેટલું ભાડું મળે છે.
રિક્ષાચાલકોનું કહેવું છે કે ઓનલાઇન ટ્રાન્સપોર્ટ એપ્સના કારણે તેમના ધંધામાં આશરે 50 ટકા સુધીની આવક ઘટી છે. વધતા CNGના ભાવ વચ્ચે મળતું ઓછું ભાડું તેમના માટે મુશ્કેલી ઊભી કરી રહ્યું છે.
ઓનલાઇન બાઇક સેવાઓ બંધ કરવાની માંગ
રિક્ષાચાલકોએ ઓનલાઇન બાઇક સેવાઓ સામે પણ વિરોધ નોંધાવ્યો છે. તેમનો આક્ષેપ છે કે બાઇક રાઇડમાં મુસાફરોને રિક્ષા કરતાં ઓછા ભાડામાં મુસાફરીની સુવિધા મળે છે, જેના કારણે રિક્ષાચાલકોના વ્યવસાયને અસર થઈ રહી છે.
ચાલકોની માંગ છે કે ઓનલાઇન બાઇક સેવાઓ બંધ કરવામાં આવે અને રિક્ષા માટે પ્રતિ કિલોમીટર રૂ.20નું ભાડું નક્કી કરવામાં આવે.
જો તેમની માંગણીઓનો ઉકેલ નહીં આવે તો રાજ્યવ્યાપી આંદોલન કરવાની ચીમકી પણ રિક્ષા-ટેક્સીચાલકોએ આપી છે. હડતાળને કારણે અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં સામાન્ય મુસાફરોને આગામી દિવસોમાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.