સુરતના રાજકારણમાં લોકાર્પણની ‘રીપીટ ટેલિકાસ્ટ’: 121 દિવસ બાદ રિપેર થયેલો ગોઠાણ-ઉમરા બ્રિજ ફરી શ્રીફળ ફોડી ખુલ્લો મુકાયો

સુરતના ગોઠાણ-ઉમરા બ્રિજના કિસ્સામાં લોકાર્પણની ‘રીપીટ ટેલિકાસ્ટ’ જોવા મળી છે. અગાઉ લોકાર્પણ બાદ વાહનવ્યવહાર માટે ખુલ્લો મુકાયેલો આ બ્રિજ મરામત માટે 121 દિવસ સુધી બંધ રહ્યા બાદ ફરી ખુલ્લો મુકાયો હતો. જોકે, આ વખતે પણ શ્રીફળ ફોડી ‘પુનઃલોકાર્પણ’ કરવામાં આવતા ‘કામ એક, લોકાર્પણ બે’ની ચર્ચા શરૂ થઈ છે.
પાલિકાના હેલ્થ રિપોર્ટના આધારે બ્રિજના એક ટ્રેક પર મરામતની કામગીરી હાથ ધરવામાં આવી હતી. 20 મે 2026થી વેલંજા તરફથી વરીયાવ તરફ જતો ટ્રેક બંધ રાખવામાં આવ્યો હતો, જ્યારે બીજા ટ્રેક પરથી બંને તરફનો વાહનવ્યવહાર ચાલુ રાખવામાં આવ્યો હતો. 121 દિવસ બાદ મરામત પૂર્ણ થતાં ગત શુક્રવારે બ્રિજ ફરી વાહનવ્યવહાર માટે ખુલ્લો મુકાયો હતો.
બ્રિજ ખુલ્લો મુકાયા બાદ ભાજપના વોર્ડ નં. 1ના કોર્પોરેટર વિજય ભાટિયાની આગેવાનીમાં શ્રીફળ ફોડી પુનઃલોકાર્પણની ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં ભાજપ સંગઠનના હોદ્દેદારો ઉપરાંત ઉમરા-ગોઠાણના ગ્રામજનો અને વિવિધ સોસાયટીઓના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
મરામત પૂર્ણ થયા બાદ બ્રિજ ખુલ્લો થતાં વાહનચાલકોને રાહત મળી છે. જોકે, અગાઉથી લોકાર્પણ થઈ ચૂકેલા બ્રિજના સમારકામ બાદ ફરી લોકાર્પણનો કાર્યક્રમ યોજાતા રાજકીય ચર્ચાએ પણ જોર પકડ્યું છે. નવા વિકાસ કામોના લોકાર્પણની પરંપરા વચ્ચે હવે રિપેરિંગ બાદ પણ લોકાર્પણ કરવામાં આવતા ‘રિપેરિંગનું પણ લોકાર્પણ?’ જેવા સવાલો ઉઠી રહ્યા છે.