અમદાવાદમાં રોડ પર ફળ-શાકભાજી વેચવા પર પ્રતિબંધ, લારી જપ્ત કરી દંડ અને પોલીસ ફરિયાદની ચેતવણી

અમદાવાદમાં જાહેર રસ્તાઓ પર ફળ અને શાકભાજી વેચતા ફેરિયાઓ સામે મ્યુનિસિપલ કોર્પોરેશને કડક વલણ અપનાવ્યું છે. કોર્પોરેશન દ્વારા નક્કી કરાયેલા શાકમાર્કેટ સિવાય અન્ય સ્થળોએ લારી કે પાથરણું રાખીને વેચાણ કરતા ફેરિયાઓ સામે કાર્યવાહી કરવાની ચેતવણી આપવામાં આવી છે. નિયમનો ભંગ કરનારની લારી જપ્ત કરવાની સાથે દંડ અને જરૂર પડે તો ફોજદારી કાર્યવાહી પણ કરવામાં આવશે.
11 શાકમાર્કેટ બનાવાયા છતાં રસ્તા પર વેચાણ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં 11 શાકમાર્કેટ બનાવવામાં આવ્યા છે. જોકે, માર્કેટમાં જગ્યા ફાળવવામાં આવી હોવા છતાં અનેક ફેરિયાઓ રસ્તા પર જ લારી-પાથરણાં લગાવીને ફળો અને શાકભાજીનું વેચાણ કરતા હોવાનું સામે આવ્યું છે. તેના કારણે શહેરના અનેક વિસ્તારોમાં ટ્રાફિકની સમસ્યા અને જાહેર માર્ગો પર દબાણની સ્થિતિ સર્જાઈ રહી છે.
એસ્ટેટ વિભાગને કડક કાર્યવાહી કરવાની સૂચના
10 સપ્ટેમ્બરે મળેલી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્થાયી સમિતિની બેઠકમાં આ મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં નવી શાકમાર્કેટ બનાવવાને બદલે હાલની માર્કેટમાં ફેરિયાઓને ખસેડવા માટે કાર્યવાહી કરવા અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી.
એસ્ટેટ વિભાગ દ્વારા હવે જાહેર માર્ગો પર ગેરકાયદે રીતે ફળ-શાકભાજી વેચતા ફેરિયાઓ સામે લારી જપ્ત કરવા, દંડ વસૂલવા તેમજ જરૂરી હોય ત્યાં ફોજદારી કાર્યવાહી કરવાની ચેતવણી આપવામાં આવી છે. જોકે, અગાઉ પણ આવી અનેક ચેતવણીઓ આપવામાં આવી હોવા છતાં તેનો જમીની સ્તરે કેટલો અમલ થાય છે તે જોવું મહત્વપૂર્ણ રહેશે.