અમદાવાદ શહેરમાં પોલીસ અધિકારી તરીકેની ખોટી ઓળખ આપી અસલી પોલીસ કર્મચારીઓને ગેરમાર્ગે દોરવાનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. મહેસાણાના PSI તરીકે પોતાનો પરિચય આપી અમદાવાદ પોલીસને ખોટી સૂચનાઓ આપનાર અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. આરોપીએ સરકારી તંત્રને ભ્રમિત કરી પોલીસની ફરજમાં રુકાવટ લાવવાનો પ્રયાસ કર્યો હોવાથી પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.પ્રાપ્ત માહિતી અનુસાર આ ઘટના 17 ડિસેમ્બર, 2025ના રોજ બની હતી. ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર, બપોરે 12 થી રાત્રે 8 વાગ્યાની શિફ્ટ દરમિયાન ફરજ પર તૈનાત પોલીસ કર્મચારીઓને નવરંગપુરા પોલીસ સ્ટેશન તરફથી એક શંકાસ્પદ કોલ અંગેની પ્રાથમિક જાણકારી મળી હતી. ત્યારબાદ તુરંત જ ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના PSO ડેસ્ક પર એક ફોન આવ્યો હતો. ફોન કરનાર વ્યક્તિએ પોતાનો પરિચય PSI રાઠોડ, મહેસાણા તરીકે આપ્યો હતો.
આ નકલી PSIએ પોલીસ પાસે મેમનગર ફાયર સ્ટેશન નજીકના એક ચોક્કસ રહેણાંક સરનામાની વિગતો માંગી અને તે વિસ્તાર યુનિવર્સિટી પોલીસ સ્ટેશનની હદમાં આવે છે કે કેમ તેની પુષ્ટિ કરી હતી. સરનામાની ખાતરી થયા બાદ, આરોપીએ એવો દાવો કર્યો હતો કે મહેસાણાના એક ગુનામાં સંકળાયેલો આરોપી આ સરનામે છુપાયેલો છે. તેણે તાત્કાલિક ત્યાં PCR મોકલવા અને તે વાહનનો નંબર પોતાની સાથે શેર કરવા હુકમ કર્યો હતો.
શરૂઆતમાં આદેશ માનીને PCR વાહન ઘટનાસ્થળે મોકલી દેવામાં આવ્યું હતું, પરંતુ ત્યારબાદ જ્યારે ફરીથી કોલ્સ આવ્યા ત્યારે તેની વાતચીતની પદ્ધતિને કારણે પોલીસ કર્મચારીઓને શંકા ગઈ હતી. આ બાબતે જ્યારે મહેસાણા પોલીસનો સંપર્ક કરીને ખરાઈ કરવામાં આવી, ત્યારે જાણવા મળ્યું કે મહેસાણામાં જે-તે મોબાઈલ નંબર ધરાવતા PSI રાઠોડ નામના કોઈ અધિકારી ફરજ બજાવતા જ નથી.આમ, સ્પષ્ટ થયું કે અજાણ્યા શખ્સે પોલીસ તંત્રને ગુમરાહ કરવા માટે જાહેર સેવકનું ખોટું નામ ધારણ કર્યું હતું. હાલમાં પોલીસે ગુનામાં વપરાયેલા મોબાઈલ નંબરના આધારે આરોપીને ટ્રેસ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.













Leave a Reply