મહારાષ્ટ્રની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપની આગેવાની હેઠળના મહાયુતિ ગઠબંધને એકપક્ષીય વિજય મેળવી વિપક્ષના સૂપડા સાફ કરી દીધા છે. રાજ્યની 288 જિલ્લા સંસ્થાઓમાંથી 215 પર પ્રમુખ પદ મેળવી મહાયુતિએ પોતાની પકડ મજબૂત કરી છે, જેમાં એકલા ભાજપે 129 બેઠકો પર જીત હાંસલ કરી છે. જોકે, આ આખી ચૂંટણીમાં નાગપુર જિલ્લાની ‘કમ્પટી મ્યુનિસિપલ કાઉન્સિલ’ની જીત સૌથી વધુ ચર્ચામાં રહી છે.4 દાયકાનો ઇન્તજાર ખતમ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીના સંસદીય ક્ષેત્ર અને RSSના મુખ્યાલય ગણાતા નાગપુરની કમ્પટી બેઠક પર ભાજપ છેલ્લા 40 વર્ષથી વિજય માટે તરસતું હતું. આ વખતે ભાજપના ઉમેદવાર અજય અગ્રવાલે આ લાંબો ઇન્તજાર ખતમ કર્યો છે. તેમણે કોંગ્રેસના દિગ્ગજ ઉમેદવાર શકુર નાગાણીને માત્ર 103 મતોના અત્યંત ટૂંકા માર્જિનથી હરાવીને ઇતિહાસ રચ્યો છે.
ચૂંટણી પરિણામો બાદ રાજકારણ ગરમાયું છે. પરાજિત ઉમેદવાર શકુર નાગાણીએ ચૂંટણી પ્રક્રિયામાં અનિયમિતતાના ગંભીર આક્ષેપો કર્યા છે. તેમણે જણાવ્યું કે, ‘હું આખો દિવસ મતગણતરીમાં આગળ હતો, પરંતુ છેલ્લી ઘડીએ કેટલીક ચાલાકી કરવામાં આવી અને ભાજપના ઉમેદવારને વિજેતા જાહેર કરી દેવાયા.’
આ ચૂંટણીમાં ભાજપે પોતાની તાકાત પર ભરોસો મૂક્યો હતો. બહુજન રિપબ્લિકન એકતા મંચના નેતા સુલેખા કુંભારે, જેઓ નીતિન ગડકરીને પોતાના ભાઈ માને છે, તેમણે ભાજપ પાસે સમર્થનની અપેક્ષા રાખી હતી. જો કે, ભાજપે આ વખતે કોઈની મદદ લીધા વિના પોતાના જ ઉમેદવાર મેદાનમાં ઉતાર્યા હતા અને 40 વર્ષ બાદ ભગવો લહેરાવવામાં સફળતા મેળવી છે.
સ્થાનિક ચૂંટણીના આ પરિણામોની અસર હવે આગામી BMC (મુંબઈ મહાનગરપાલિકા)ની ચૂંટણી પર જોવા મળી શકે છે. આ પરિણામો બાદ ઉદ્ધવ ઠાકરેની શિવસેના અને કોંગ્રેસ વચ્ચે તિરાડ પડી છે. શિવસેના (UBT) એ દાવો કર્યો છે કે, ‘BMCમાં કોંગ્રેસનું કોઈ અસ્તિત્વ નથી. શિવસેના છેલ્લા 30 વર્ષથી ત્યાં સત્તામાં છે, તેથી કોંગ્રેસને ગંભીરતાથી લેવાની જરૂર નથી.’ આ નિવેદનોએ વિપક્ષી એકતા પર સવાલો ઊભા કર્યાં છે, જ્યારે બીજી તરફ ભાજપ હવે પૂરા જોશ સાથે BMC કબજે કરવાની તૈયારીમાં લાગી ગયું છે.













Leave a Reply