બિહારના રાજકીય ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ ફેરફાર સાથે નવો અધ્યાય શરૂ થયો છે. સમ્રાટ ચૌધરીએ પટનાના લોકભવનમાં યોજાયેલા ભવ્ય સમારોહમાં રાજ્યના 24મા મુખ્યમંત્રી તરીકે પદ અને ગોપનીયતાની શપથ લીધી. રાજ્યપાલ સૈયદ અતા હસનૈને તેમને શપથ લેવડાવી. ખાસ વાત એ છે કે, બિહારના ઇતિહાસમાં પહેલીવાર ભારતીય જનતા પાર્ટીના કોઈ નેતા મુખ્યમંત્રી બન્યા છે.
આ શપથવિધિ દરમિયાન જેડીયુ ક્વોટામાંથી વિજય કુમાર ચૌધરી અને બિજેન્દ્ર પ્રસાદ યાદવે નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. કાર્યક્રમમાં ભાજપના ટોચના નેતાઓ સહિત અનેક રાજકીય દિગ્ગજો હાજર રહ્યા હતા.
સમ્રાટ ચૌધરીની રાજકીય સફર અનેક પક્ષો દ્વારા પસાર થઈ છે. તેઓએ શરૂઆત સમતા પાર્ટીથી કરી, ત્યારબાદ આરજેડીમાં જોડાઈ મંત્રી તરીકે સેવા આપી. 2014માં જેડીયુમાં પ્રવેશ કરીને તેઓ જીતન રામ માંઝીની સરકારમાં શહેરી વિકાસ અને આવાસ વિભાગના મંત્રી બન્યા. 2018માં ભાજપમાં જોડાયા બાદ તેમની રાજકીય કારકિર્દી વધુ મજબૂત બની.
ભાજપમાં તેઓ ઝડપથી આગળ વધ્યા. 2019માં ઉપાધ્યક્ષ, 2020માં વિધાન પરિષદ સભ્ય અને 2023માં પ્રદેશ અધ્યક્ષ બન્યા. 2022માં નીતિશ કુમારે ભાજપ સાથેનો સંબંધ તોડીને આરજેડી સાથે સરકાર બનાવતાં સમ્રાટ ચૌધરી વિધાન પરિષદમાં વિપક્ષના નેતા બન્યા અને અહીંથી તેમની અલગ ઓળખ ઉભી થઈ.
પછી નીતિશ કુમાર ફરી એનડીએમાં જોડાતા સમ્રાટ ચૌધરીને નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા. 2025ની વિધાનસભા ચૂંટણીમાં તેઓ વિપક્ષના મુખ્ય નિશાના પર રહ્યા, પરંતુ એનડીએની વાપસી સાથે તેમની રાજકીય સ્થિતિ વધુ મજબૂત બની અને હવે તેઓ મુખ્યમંત્રી પદે પહોંચ્યા છે.
બિજેન્દ્ર પ્રસાદ યાદવ સુપૌલ બેઠક પરથી અનેકવાર જીતેલા અનુભવી નેતા છે અને નીતિશ સરકારમાં વિવિધ વિભાગો સંભાળી ચૂક્યા છે. જ્યારે વિજય કુમાર ચૌધરી સમસ્તીપુર જિલ્લાના સરાયરંજન બેઠક પરથી ધારાસભ્ય છે અને તેઓ પણ લાંબા સમયથી રાજ્યની રાજનીતિમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા છે.












Leave a Reply