મુંબઈના શિવાજી પાર્ક ખાતે દિગ્ગજ ગાયિકા આશા ભોસલેના અંતિમ સંસ્કાર રાજકીય સન્માન સાથે કરવામાં આવ્યા હતા. સવારે તેમના નશ્વર દેહને મુંબઈ સ્થિત નિવાસસ્થાન ‘કાસા ગ્રાન્ડ’માં અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યો હતો, જ્યાં બોલિવૂડ તેમજ રાજકીય ક્ષેત્રની અનેક હસ્તીઓએ તેમને શ્રદ્ધાંજલિ અર્પી હતી. તેમના પાર્થિવ દેહને તિરંગામાં લપેટીને ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ વિદાય આપવામાં આવી હતી, જે મુંબઈ પોલીસ દ્વારા આપવામાં આવ્યું હતું.
બહેન ઉષા મંગેશકર પહોંચ્યા અંતિમ સંસ્કારમાં
આશા ભોસલેના અંતિમ સંસ્કાર દરમિયાન તેમની બહેન ઉષા મંગેશકર શિવાજી પાર્ક ખાતે હાજર રહ્યા હતા અને અંતિમ વિદાયમાં જોડાયા હતા.
અંતિમ યાત્રા અને મોક્ષ રથ
આશા ભોસલેની અંતિમ યાત્રા ફૂલોથી સજાવેલા ‘મોક્ષ રથ’માં નીકળી હતી, જેમાં તેમના પાર્થિવ દેહને સ્મશાન ઘાટ તરફ લઈ જવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં ચાહકો અને ફિલ્મ જગતના કલાકારો અંતિમ યાત્રામાં જોડાયા હતા. રથને તેમના પ્રિય સફેદ અને પીળા ફૂલો જેમ કે રજનીગંધા અને ગલગોટાથી શણગારવામાં આવ્યો હતો.
પરિવાર અને ચાહકોની ઉપસ્થિતિ
અંતિમ વિદાય દરમિયાન અનેક સેલિબ્રિટીઓ અને ચાહકો હાજર રહ્યા હતા. આ દરમિયાન ઝનાઈ ભોસલેના નજીકના મિત્ર ક્રિકેટર મોહમ્મદ સિરાજ પણ પહોંચ્યા હતા અને તેમણે પરિવારને સાંત્વના આપી હતી.
મહારાષ્ટ્ર સરકારનો નિર્ણય
મહારાષ્ટ્ર કેબિનેટે આશા ભોસલેના જીવન અને યોગદાનને સન્માન આપવા તેમના નામે ચેરિટેબલ ટ્રસ્ટ અથવા સામાજિક સંસ્થા સ્થાપવાનો નિર્ણય કર્યો છે. રાજ્યના મુખ્યમંત્રી અને ઉપમુખ્યમંત્રીએ પણ તેમને શ્રદ્ધાંજલિ અર્પી હતી.
જીવન અને સંગીત સફર
92 વર્ષની વયે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું નિધન થયું હતું. આશા ભોસલેએ માત્ર 10 વર્ષની ઉંમરે ગાયકીની શરૂઆત કરી હતી અને લાંબી સંગીત સફરમાં પોતાની અલગ ઓળખ બનાવી હતી. તેમણે વિવિધ ભાષાઓમાં હજારો ગીતો ગાઈને ભારતીય સંગીત જગતમાં અમૂલ્ય યોગદાન આપ્યું છે.
તેમની કારકિર્દીમાં અનેક પુરસ્કારો અને સન્માન પ્રાપ્ત થયા હતા, જેમાં ફિલ્મફેર એવોર્ડ્સ, નેશનલ એવોર્ડ્સ, દાદાસાહેબ ફાળકે પુરસ્કાર અને પદ્મ વિભૂષણ જેવા પ્રતિષ્ઠિત સન્માનોનો સમાવેશ થાય છે.














Leave a Reply