અયોધ્યાના શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટને મળેલા દાનમાં કથિત ગેરરીતિ અને ચોરીના આરોપોની તપાસની માંગ કરતી જનહિત અરજી (PIL) પર સુપ્રીમ કોર્ટ સુનાવણી કરવા તૈયાર થઈ છે. મુખ્ય ન્યાયાધીશ (CJI) સૂર્યકાંતની અધ્યક્ષતામાં ત્રણ જજોની વિશેષ બેન્ચ આ મામલે 13 જુલાઈએ સુનાવણી કરશે.
આ બેન્ચમાં જસ્ટિસ જોયમાલ્યા બાગચી અને જસ્ટિસ વી.એસ. મોહન પણ સામેલ છે. વકીલ અજય કુમાર રાય અને દિનેશ કુમાર યાદવની અરજી સાથે આરજેડી સાંસદ સુધાકર સિંહની અરજી પર પણ સંયુક્ત રીતે સુનાવણી થશે.
અરજદારોની માંગ છે કે દાન અને ચઢાવામાં કથિત ગેરરીતિની તપાસ કોર્ટની દેખરેખ હેઠળ સીબીઆઈના નેતૃત્વમાં સ્વતંત્ર SIT દ્વારા કરાવવામાં આવે. સાથે જ રામ જન્મભૂમિ ટ્રસ્ટની નાણાકીય વ્યવસ્થાનું પારદર્શક ઓડિટ સુનિશ્ચિત કરવા માટે જરૂરી દિશાનિર્દેશ આપવાની પણ માંગ કરવામાં આવી છે.
અરજીમાં તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી દાન સંબંધિત તમામ દસ્તાવેજો, બેંક ખાતાની વિગતો, ડોનેશન રજિસ્ટર, ઓડિટ રિપોર્ટ, કમ્પ્યુટર રેકોર્ડ તેમજ CCTV ફૂટેજ સુરક્ષિત રાખવાનો વચગાળાનો આદેશ આપવાની પણ અપીલ કરવામાં આવી છે, જેથી પુરાવા સાથે કોઈ પ્રકારની છેડછાડ ન થઈ શકે.













Leave a Reply