સુરતમાં ભારે વરસાદ અને પૂર બાદ રાજ્ય સરકારે રાહત, પુનર્વસન અને સફાઈ કામગીરીને વધુ વેગ આપ્યો છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ મોડી રાત્રે અધિકારીઓ સાથે ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી, જેમાં અસરગ્રસ્ત પરિવારો, વેપારીઓ અને શહેરમાં ચાલી રહેલી સફાઈ કામગીરી અંગે મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા.
બેઠક બાદ યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, પૂરથી અસરગ્રસ્ત વિસ્તારોમાં અત્યાર સુધી 9,100 પરિવારોનો ડોર-ટુ-ડોર સર્વે પૂર્ણ કરવામાં આવ્યો છે. આમાંથી 800થી વધુ પરિવારોને પ્રતિ પરિવાર ₹6,800 મુજબ ઘરવખરી અને કેશડોલ સહાય ચૂકવવામાં આવી છે. સરકારનો પ્રયાસ છે કે શુક્રવારે મોડી સાંજ સુધીમાં બાકીના તમામ પાત્ર પરિવારો સુધી પણ સહાય પહોંચાડવામાં આવે. આ માટે અલગ-અલગ ટીમોની રચના કરીને કામગીરી ઝડપી બનાવવામાં આવી છે.
તેમણે જણાવ્યું કે, જો સુરત શહેરની કોઈ સોસાયટી અથવા વિસ્તારનો સર્વે હજુ બાકી હોય તો ત્યાં પણ તાત્કાલિક સર્વે પૂર્ણ કરીને સહાય ચૂકવવાની કાર્યવાહી હાથ ધરવા અધિકારીઓને સૂચના આપવામાં આવી છે.
પૂરના કારણે વેપારીઓને થયેલા નુકસાનને ધ્યાનમાં રાખીને શહેરના 58 જેટલા કોમર્શિયલ વિસ્તારોમાં સર્વે શરૂ કરવામાં આવ્યો છે. સરકારના જણાવ્યા મુજબ, શુક્રવાર સાંજ સુધી આ સર્વે ચાલુ રહેશે. જો ત્યારબાદ પણ કોઈ વિસ્તાર બાકી રહેશે તો કલેક્ટરની અધ્યક્ષતામાં રચાયેલી વિશેષ સમિતિ દ્વારા સર્વે પૂર્ણ કરવામાં આવશે. વેપારીઓને થયેલા વ્યાવસાયિક નુકસાન માટે રાજ્ય સરકાર અલગ રાહત નીતિ જાહેર કરશે, જે અંગેનો અંતિમ નિર્ણય મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં લેવામાં આવશે. જોકે, તે પહેલાં સમગ્ર નુકસાનનો સર્વે પૂર્ણ કરવો જરૂરી હોવાનું પણ જણાવાયું છે.
જે વેપારીઓ પાસે ઇન્સ્યોરન્સ કવર ઉપલબ્ધ છે તેમના ક્લેમની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ થાય તે માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. RTO અને લીડ બેંકરને આ કામગીરીની જવાબદારી સોંપવામાં આવી છે. ઇન્સ્યોરન્સ કંપનીઓ સાથે સંકલન માટે ખાસ ટીમ કાર્યરત કરવામાં આવી છે તેમજ ક્લેમ પ્રક્રિયા સરળ અને ઝડપી બને તે માટે ઓનલાઈન બેન્ચ પણ શરૂ કરવામાં આવી છે.
પૂર બાદ શહેરમાં ઝડપથી સ્વચ્છતા પુનઃસ્થાપિત કરવા માટે સુરત મહાનગરપાલિકા ઉપરાંત અન્ય સ્થાનિક સંસ્થાઓની પણ મદદ લેવામાં આવી રહી છે. વડોદરા મહાનગરપાલિકામાંથી 1,000થી વધુ સફાઈ કર્મચારીઓને સુરત મોકલવામાં આવશે. આમ, કુલ મળીને અંદાજે 4,500 સફાઈ કર્મચારીઓ શહેરમાં વિવિધ વિસ્તારોમાં સફાઈ કામગીરી કરશે.
જે વિસ્તારોમાં હજુ પણ બેઝમેન્ટમાં પાણી ભરાયેલું છે ત્યાં 50થી વધુ વધારાના પંપ લગાવવાની કામગીરી હાથ ધરવામાં આવશે. આ માટે GIDC, GPCB અને DICને જવાબદારી સોંપવામાં આવી છે, જેથી પાણી ઝડપથી બહાર કાઢી શહેરમાં સામાન્ય સ્થિતિ પુનઃસ્થાપિત કરી શકાય.
સરકારે જણાવ્યું છે કે અસરગ્રસ્ત નાગરિકો અને વેપારીઓને વહેલી તકે રાહત પહોંચાડવા તેમજ સુરત શહેરને ઝડપથી પૂર્વવત્ સ્થિતિમાં લાવવા માટે તમામ વિભાગો પરસ્પર સંકલન સાથે સતત કામગીરી કરી રહ્યા છે.













Leave a Reply