હવામાન વિભાગના રેડ એલર્ટ વચ્ચે સુરતમાં મેઘરાજાએ મન મૂકીને વરસતાં સમગ્ર શહેર જળબંબાકાર બની ગયું છે. મંગળવારે સવારે શરૂ થયેલો ભારે વરસાદ સતત ચાલુ રહેતા માત્ર 8 કલાકમાં અંદાજે 10 ઈંચ વરસાદ નોંધાયો હતો. અનેક મુખ્ય માર્ગો અને રહેણાંક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ જતા લોકોના જનજીવન પર ગંભીર અસર પડી છે.
ભારે વરસાદને પગલે સ્થાનિક વહીવટીતંત્ર, પોલીસ, ફાયર વિભાગ અને રાહત ટીમો સતત બચાવ કામગીરીમાં જોડાઈ છે. અનેક વિસ્તારોમાં ટ્રેક્ટર, બોટ અને માનવ સાંકળની મદદથી લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવી રહ્યા છે. સુરત મહાનગરપાલિકાએ નાગરિકોને અત્યંત જરૂરી કામ સિવાય ઘર બહાર ન નીકળવાની અપીલ કરી છે.
પાલી વિસ્તારમાં બે બાળકોના ડૂબી જવાથી મોત
પાલી વિસ્તારમાં મહાવીર સોસાયટી અને આંગમ નવકાર રેસિડેન્સી સામે વરસાદી પાણી ભરાયેલા ખાડામાં ડૂબી જતાં 8 વર્ષીય કૃષ્ણા અને 8 વર્ષીય શ્રેયાનું કરૂણ મોત થયું છે. ઘટનાની જાણ થતાં સંબંધિત વિભાગોના અધિકારીઓ સ્થળ પર પહોંચી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.
પાણીમાં ફસાઈ એસટી બસ, તમામ મુસાફરોનું સુરક્ષિત રેસ્ક્યૂ
સહારા દરવાજા ગરનાળામાં એક એસટી બસ પાણીમાં ફસાઈ ગઈ હતી. જોકે રાહત ટીમોએ ટ્રેક્ટરની મદદથી તમામ મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા. ભારે વરસાદને ધ્યાનમાં રાખીને નાના વરાછા સ્થિત આદર્શ નિવાસી શાળાના વિદ્યાર્થીઓને પણ સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યા હતા. સુરત મહાનગરપાલિકા દ્વારા સમયસર કાર્યવાહી કરીને વિદ્યાર્થીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવી હતી.
અત્યાર સુધીમાં સમગ્ર સુરત જિલ્લામાં અંદાજે 2,100 લોકોનું સુરક્ષિત સ્થળાંતર કરવામાં આવ્યું છે.
ભેડવાડ ખાડીમાં ખાડીપૂરનો ખતરો, મુખ્ય માર્ગ બંધ
ભારે વરસાદના કારણે સુરત-નવસારી મુખ્ય માર્ગ પર દક્ષેશ્વર મહાદેવ મંદિર નજીક આવેલી ભેડવાડ ખાડીનું પાણી ભયજનક સપાટીથી ઉપર વહી રહ્યું છે. પાણી મુખ્ય માર્ગ પર ફરી વળતાં નાગરિકોની સલામતીને ધ્યાનમાં રાખીને આ માર્ગ વાહનવ્યવહાર માટે તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવ્યો છે.
ભેડવાડ ખાડીની ભયજનક સપાટી 7.2 મીટર છે, જ્યારે બપોરે 3 વાગ્યે પાણીનું સ્તર વધીને 8.60 મીટર સુધી પહોંચી ગયું હતું. સીમાડા ખાડી પણ હાલ ભયજનક સપાટીથી ઉપર વહી રહી છે.
21 નાગરિકોનું બોટ દ્વારા રેસ્ક્યૂ
સર્વોદય બેંક–રેલવે સ્ટેશન ગરનાળા વિસ્તારમાં પાણી ભરાઈ જતાં સુરત મહાનગરપાલિકાની ટીમે તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી હતી. બોટ દ્વારા કુલ 21 નાગરિકોને સુરક્ષિત રીતે બહાર કાઢી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. શહેરમાં ફાયર વિભાગ, SMC અને રાહત ટીમો સતત મેદાનમાં કાર્યરત છે.
સવારે 8થી બપોરે 2 વાગ્યા સુધીનો વરસાદ
- કામરેજ – 9 ઈંચ
- સુરત શહેર – 7 ઈંચ
- પલસાણા – 6 ઈંચ
- બારડોલી – 5 ઈંચ
- મહુવા – 4 ઈંચ
- અંબિકા – 4 ઈંચ
- ચોર્યાસી – 2 ઈંચ
- ઓલપાડ – 1.5 ઈંચ
- માંડવી – 1.5 ઈંચ
- માંગરોળ – 1 ઈંચ
- એરઠ – 1 ઈંચ












Leave a Reply