ભારતની પ્રથમ ગ્રીનફિલ્ડ ઇન્ટિગ્રેટેડ રિફાઇનરી-કમ-પેટ્રોકેમિકલ કોમ્પ્લેક્સના લોકાર્પણ માટે રાજસ્થાનના બાલોતરા પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વૈશ્વિક ઉર્જા સંકટ દરમિયાન ભારત સરકારે અપનાવેલી વ્યૂહરચનાની વિગત આપી હતી. તેમણે જણાવ્યું કે પશ્ચિમ એશિયામાં યુદ્ધ અને હોર્મુઝની ખાડી બંધ થતાં વિશ્વના અનેક દેશો ઇંધણ સંકટમાં સપડાયા હતા, પરંતુ ભારતે સમયસર કૂટનીતિક પ્રયાસો અને યોગ્ય આયોજનથી સ્થિતિને સફળતાપૂર્વક સંભાળી હતી.
પીએમ મોદીના જણાવ્યા મુજબ, ભારત પોતાની એલપીજીની જરૂરિયાતનો મોટો હિસ્સો આયાત દ્વારા પૂરો કરે છે. યુદ્ધ દરમિયાન વેપાર માર્ગો પ્રભાવિત થતાં ઇંધણ પુરવઠો ખોરવાઈ જવાનો ખતરો ઊભો થયો હતો. તેમ છતાં સરકારે 40 જેટલા દેશોમાંથી ક્રૂડ ઓઇલ અને ગેસની વ્યવસ્થા કરીને દેશમાં સપ્લાય અવિરત રાખ્યો અને જનતાને મુશ્કેલીનો સામનો કરવો ન પડ્યો.
તેમણે કહ્યું કે સરકારનો મુખ્ય ઉદ્દેશ સામાન્ય નાગરિક પર વધતી ઇંધણ કિંમતનો બોજ ન આવે તે હતો. આ માટે સરકારે આર્થિક નુકસાન સહન કર્યું, પરંતુ દેશના હિતને સર્વોપરી રાખીને ઇંધણની ઉપલબ્ધિ જાળવી રાખી.
રાજસ્થાનની પૂર્વ કોંગ્રેસ સરકાર પર નિશાન સાધતા વડાપ્રધાને જણાવ્યું કે અગાઉ રાજ્ય સરકારના અસહકારને કારણે આ મહત્વાકાંક્ષી રિફાઇનરી પ્રોજેક્ટનું કામ અટકી ગયું હતું. જોકે, રાજ્યમાં ભાજપ સરકાર આવ્યા બાદ કામગીરીને વેગ મળ્યો અને આજે આ પ્રોજેક્ટ દેશના ઉર્જા તથા પેટ્રોકેમિકલ ક્ષેત્ર માટે મહત્વપૂર્ણ સિદ્ધિ બની છે.
આ પ્રસંગે વડાપ્રધાને જોધપુર એરપોર્ટના નવા ટર્મિનલ બિલ્ડિંગનું પણ ઉદ્ઘાટન કર્યું હતું. ઉપરાંત શહેરી પરિવહન, રેલવે, હાઇવે, રિન્યુએબલ એનર્જી અને પાવર ટ્રાન્સમિશન સહિત હજારો કરોડ રૂપિયાના વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને શિલાન્યાસ પણ કર્યો હતો.












Leave a Reply