ગુજરાતમાં ચોમાસાએ હવે જોર પકડ્યું છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં છેલ્લા 24 કલાક દરમિયાન નોંધપાત્ર વરસાદ વરસતા લોકોને ગરમીથી રાહત મળી છે. ખાસ કરીને સુરત, વલસાડ, જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે.
હવામાન વિભાગના તાજા આંકડા મુજબ, ગુરુવારે સવારે 6 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધી રાજ્યના 85 તાલુકામાં નોંધપાત્ર વરસાદ નોંધાયો હતો. તેમાં સૌથી વધુ વરસાદ જૂનાગઢ જિલ્લાના માંગરોળમાં નોંધાયો, જ્યાં માત્ર 8 કલાકમાં 7.28 ઇંચ વરસાદ વરસ્યો હતો.
માંગરોળ બાદ ગીર સોમનાથના સુત્રાપાડામાં 4.84 ઇંચ, જ્યારે જૂનાગઢના માળિયા હાટિના અને કેશોદમાં 4.37 ઇંચ વરસાદ નોંધાયો હતો. બીજી તરફ, છેલ્લા 24 કલાકમાં સુરતના પલસાણામાં 7.99 ઇંચ, બારડોલીમાં 7.76 ઇંચ, મહુવામાં 7.52 ઇંચ તેમજ વલસાડના ઉમરગામમાં 7.72 ઇંચ અને વાપીમાં 7.44 ઇંચ વરસાદ વરસતા અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા.
હવામાન વિભાગે આજે પણ દક્ષિણ અને મધ્ય ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, ભરુચ અને સુરત માટે આગામી ત્રણ કલાકનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે અમદાવાદ, વડોદરા, આણંદ, જામનગર, નવસારી, વલસાડ સહિત અન્ય જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.
આ ઉપરાંત, ભારે વરસાદને કારણે નર્મદા ઉપરવાસમાંથી સરદાર સરોવર ડેમમાં પાણીની આવક વધી છે. હાલ ડેમમાં 39,315 ક્યુસેક પાણીની આવક નોંધાઈ રહી છે અને જળસપાટી 126.17 મીટરે પહોંચી છે.
ભારતીય હવામાન વિભાગ (IMD)ના જણાવ્યા મુજબ આગામી 2થી 3 દિવસ દરમિયાન ચોમાસું ગુજરાત સહિત મધ્યપ્રદેશ, હરિયાણા, પંજાબ અને રાજસ્થાનના વધુ વિસ્તારોમાં આગળ વધવા માટે અનુકૂળ પરિસ્થિતિઓ સર્જાઈ રહી છે. રાજ્યમાં આગામી દિવસોમાં પણ વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા છે.












Leave a Reply