Yes TV

News Website

રથયાત્રા પૂર્વે દરિયાપુરમાં બે જૂથ વચ્ચે પથ્થર – તલવારોથી હુમલોઃ છ ઇજાગ્રસ્ત

રથયાત્રા પૂર્વે દરિયાપુરમાં બે જૂથ વચ્ચે પથ્થર – તલવારોથી હુમલોઃ છ ઇજાગ્રસ્ત
Views 7

શહેરમાં આગામી સમયમાં યોજાનારી પવિત્ર રથયાત્રા પૂર્વે જ દરિયાપુર વિસ્તારમાં અસામાજિક તત્ત્વોએ આતંક મચાવ્યો હોવાની સનસનાટીભરી ઘટના બની હતી. દરિયાપુરમાં નજીવી મજાક-મશ્કરી બાબતે બે જૂથો આમને-સામને આવી ગયા હતા અને જોતજોતામાં મામલો ઉગ્ર બની ગયો હતો. બંને પક્ષો વચ્ચે પથ્થરમારો થવા ઉપરાંત તલવાર અને લાકડી જેવા ઘાતક હથિયારોથી એકબીજા પર હુમલો કરાતા સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. આ લોહિયાળ ખેલમાં કુલ 6 વ્યક્તિ ઇજાગ્રસ્ત થતા તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. સમગ્ર હિંસક ઘટનાના સીસીટીવી અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં ચકચાર મચી ગઈ છે.

દરિયાપુર વિસ્તારમાં રહીને મજૂરી કામ કરતા ઉસેદ શેખ ગત ૨૮મી જૂનની સાંજે તેમના મિત્ર ‘મામા’ સાથે દાંડિયાવાડના નાકે ઊભા રહીને આપસમાં મજાક-મશ્કરી કરતા હતા. આ દરમિયાન ત્યાંથી પસાર થતાં યાયા નામના શખ્સે આવીને ઉસેદને ટોક્યો હતો અને ‘તું કેમ મારા મિત્ર મામાની મજાક ઉડાવે છે?’ તેમ કહી ગાળાગાળી કરી ઝઘડો શરૂ કર્યો હતો. આ મારામારીમાં ઉસેદને ઇજાઓ પહોંચતા તે તેની માતા સાથે હોસ્પિટલ સારવાર માટે ગયો હતો. સારવાર કરાવીને રાત્રે જ્યારે ઉસેદ પરત દાંડિયાવાડ પાસે આવ્યો, ત્યારે યાયા, તેના પિતા રશીદ બુખારી, સાહિલ બુખારી અને ભુરાનબાવા ત્યાં ધસી આવ્યા હતા. યાયાએ ઉસેદને ધમકાવતા કહ્યું કે, “તને બહુ મસ્તી ચઢી છે, આજે તો તારી બધી મસ્તી ઉતારી દેવી છે.” તેમ કહી ચારેય જણાએ ભેગા મળીને ઉસેદ પર હુમલો કરી દીધો હતો.

આ ઘટનાની જાણ થતાં જ બંને જૂથોના પરિવારજનો અને મિત્રો રોડ પર ઉતરી આવ્યા હતા. બંને પક્ષના લોકો હાથમાં તલવાર, લાકડીઓ અને બેઝબોલના દંડા જેવા હથિયારો સાથે સામસામે આવી ગયા હતા. અંધાધૂંધ પથ્થરમારો અને હથિયારો ઉછળતા આસપાસના રહીશોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. આ ધીંગાણામાં બંને પક્ષે થઈને કુલ ૬ લોકોને નાની-મોટી ઇજાઓ પહોંચી હતી.  આ મામલે ઉસેદ શેખે દરિયાપુર પોલીસ સ્ટેશનમાં યાયા, રશીદ, સાહિલ, ભુરાનૂબાવા, નઝીર ગોટા, ફૈઝાન મિયાણા અને રોમિયો સામે નામજોગ ફરિયાદ નોંધાવી છે. જ્યારે સામા પક્ષે અબ્દુલ રશીદ બુખારીએ પણ ઉસેદ શેખ, નસરીન શેખ, માસી, ફૈઝાન અલ્લારા અને બે અજાણ્યા શખ્સો સામે વળતી ફરિયાદ નોંધાવી છે. દરિયાપુર પોલીસે બંને પક્ષોની ક્રોસ ફરિયાદના આધારે કુલ 13 લોકો સામે ગુનો દાખલ કર્યો છે અને ત્વરિત કાર્યવાહી કરીને 10 આરોપીઓની ધરપકડ કરી કાયદાનું ભાન કરાવ્યું છે. રથયાત્રા પૂર્વે શાંતિ ડહોળવાનો પ્રયાસ કરનારા તત્ત્વો સામે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *