અમદાવાદ શહેરના નાગરિકો અને વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને અમદાવાદ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસિસ (AFES) દ્વારા શહેરવ્યાપી ફાયર સેફ્ટી ચકાસણી અભિયાન હાથ ધરાયું છે. આ અભિયાન હેઠળ શહેરની હોટલો, શૈક્ષણિક સંસ્થાઓ અને કોચિંગ ક્લાસિસમાં તપાસ કરવામાં આવી હતી. ફાયર સેફ્ટીના નિયમોનું ઉલ્લંઘન કરનાર એકમો સામે કડક કાર્યવાહી કરતાં 200થી વધુ નોટિસ ફટકારવામાં આવી છે, જ્યારે ગંભીર બેદરકારી બદલ 13 હોટલો અને એક શૈક્ષણિક સંસ્થા સહિત કુલ 14 એકમોને સીલ કરવામાં આવ્યા છે.
200થી વધુ એકમોને નોટિસ, 14 સીલ
ચકાસણી દરમિયાન કુલ 154 હોટલો તથા 62 શૈક્ષણિક અને કોચિંગ સંસ્થાઓને ફાયર સેફ્ટીના નિયમોના ભંગ બદલ નોટિસ આપવામાં આવી હતી. ઉપરાંત ગંભીર ખામીઓ સામે આવતાં 13 હોટલો અને એક શૈક્ષણિક/કોચિંગ સંસ્થાને સીલ કરવામાં આવી છે.
ઝોનવાર કાર્યવાહી આ મુજબ રહી:
- સાઉથ વેસ્ટ ઝોન: 20 હોટલોને નોટિસ.
- સાઉથ ઝોન: 13 હોટલો અને 3 શૈક્ષણિક/કોચિંગ સંસ્થાઓને નોટિસ.
- સેન્ટ્રલ ઝોન: 27 હોટલો તથા 8 શૈક્ષણિક/કોચિંગ સંસ્થાઓને નોટિસ.
- નોર્થ વેસ્ટ ઝોન: 24 હોટલો અને 5 શૈક્ષણિક/કોચિંગ સંસ્થાઓને નોટિસ, જ્યારે 6 હોટલો સીલ.
- ઈસ્ટ ઝોન: 16 હોટલો અને 24 શૈક્ષણિક/કોચિંગ સંસ્થાઓને નોટિસ.
- વેસ્ટ ઝોન: સૌથી વધુ કાર્યવાહી હેઠળ 47 હોટલો અને 12 શૈક્ષણિક/કોચિંગ સંસ્થાઓને નોટિસ, જ્યારે 7 હોટલો અને એક શૈક્ષણિક/કોચિંગ સંસ્થા સીલ.
- નોર્થ ઝોન: 7 હોટલો અને 10 શૈક્ષણિક/કોચિંગ સંસ્થાઓને નોટિસ.
આગામી દિવસોમાં પણ કાર્યવાહી યથાવત રહેશે
અમદાવાદ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસિસ વિભાગે જણાવ્યું છે કે શહેરમાં ફાયર સેફ્ટીના નિયમોનું કડક પાલન થાય અને નાગરિકોના જાનમાલની સુરક્ષા સુનિશ્ચિત રહે તે માટે આવી ચકાસણી અને અમલીકરણની કાર્યવાહી આગામી દિવસોમાં પણ સતત ચાલુ રહેશે. ફાયર સેફ્ટીના નિયમોનું પાલન ન કરનાર સંસ્થાઓ અને એકમો સામે નિયમો મુજબ કડક કાર્યવાહી કરવામાં આવશે.












Leave a Reply