અમદાવાદના બોપલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા PSI પી.જે. ચૌધરી અને હેડ કોન્સ્ટેબલ દિલીપ ભોઈ વિરુદ્ધ લાંચ માંગવાનો ગુનો નોંધાયો છે. અરજીના કેસમાં ગુનો નોંધવામાં ન આવે તે માટે બંનેએ રૂ. 10 લાખની લાંચની માંગણી કરી હતી. અરજદાર સાથેની વાતચીત બાદ અંતે રૂ. 5 લાખમાં સોદો નક્કી થયો હતો.
અરજદાર લાંચ આપવા ઇચ્છતા ન હોવાથી તેમણે નડિયાદ ACBનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે ACBએ શીલજ સ્થિત સાયબર ક્રાઇમ ઓફિસમાં ટ્રેપ ગોઠવ્યો હતો. ટ્રેપ દરમિયાન હેડ કોન્સ્ટેબલ દિલીપ ભોઈએ રૂ. 5 લાખની લાંચ સ્વીકારી હતી અને ત્યારબાદ મહિલા PSI પી.જે. ચૌધરી સાથે વાતચીત પણ કરી હતી. પુરાવાના આધારે ACBએ દિલીપ ભોઈની ધરપકડ કરી છે, જ્યારે મહિલા PSI પી.જે. ચૌધરી ફરાર હોવાથી તેમની શોધખોળ શરૂ કરવામાં આવી છે.
આ ઉપરાંત, અન્ય એક ટ્રેપમાં એરપોર્ટ પોલીસ સ્ટેશન હેઠળની હાંસોલ પોલીસ ચોકીમાં ફરજ બજાવતા ASI શશીકાંત જાદવ પણ લાંચ લેતા ઝડપાયા હતા. સાબરકાંઠાના એક વ્યક્તિ સામે થયેલી અરજીની તપાસ દરમિયાન આરોપીએ ફરિયાદીને માર ન મારવા અને કોર્ટમાં વહેલા રજૂ કરવાની ખાતરી આપી રૂ. 6,000ની લાંચ માગી હતી. ફરિયાદના આધારે ACBએ વોચ ગોઠવી ટ્રેપ દરમિયાન ASI શશીકાંત જાદવને રંગેહાથ ઝડપી પાડ્યા.













Leave a Reply