અમદાવાદ, 22 જૂન: અમદાવાદ ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB)એ જુગારના ગેરકાયદે કારોબાર સામે મોટી કાર્યવાહી હાથ ધરી છે. ચાંગોદર પોલીસ સ્ટેશનની હદમાં આવેલા સનાથલ ગામની સીમમાં એક ખેતરમાં ચાલતા હાઇપ્રોફાઇલ જુગારધામ પર પોલીસે મોડી રાત્રે દરોડો પાડી પાંચ શખસોની ધરપકડ કરી હતી, જ્યારે આઠ આરોપીઓ સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા.
પોલીસને પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે LCBની ટીમે સનાથલ ગામની સીમમાં આવેલા ખેતરમાં રેડ કરી હતી. દરોડા દરમિયાન પૈસાની હારજીતનો જુગાર રમતા કૌશિક પટેલ, દિગ્વીજયસિંહ ચૌહાણ, ચિંતન પટેલ, વિક્રમ ઠાકોર અને સિદ્ધરાજસિંહ ચૌહાણને રંગેહાથ ઝડપી લેવામાં આવ્યા હતા.
તપાસ દરમિયાન જાણવા મળ્યું કે મહાવીરસિંહ ઉર્ફે માવુ ચૌહાણ, ગોવિંદસિંહ પરમાર, જગદીશસિંહ ચૌહાણ, રોહિત પટેલ, નરેન્દ્ર ઉર્ફે ટીના ઠાકોર, અશ્વિન પરમાર, નીતેષ ઉર્ફે લાલા પ્રજાપતિ અને રસીક ઉર્ફે કાળુ ઠાકોર સ્થળ પરથી ફરાર થઈ જવામાં સફળ રહ્યા હતા. ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસ દ્વારા અલગ-અલગ ટીમો બનાવી શોધખોળ શરૂ કરવામાં આવી છે.
દરોડા દરમિયાન પોલીસે જુગારના પટ પરથી ₹1.75 લાખની રોકડ રકમ, ₹50 હજાર કિંમતના 6 મોબાઇલ ફોન તેમજ ₹13.50 લાખ કિંમતના 8 વાહનો સહિત કુલ ₹15.75 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
આ સમગ્ર મામલે ચાંગોદર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી પકડાયેલા આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જ્યારે ફરાર આરોપીઓની શોધખોળ ચાલુ છે.














Leave a Reply