અમદાવાદના અમદુપુરા વિસ્તારમાં એક ભાવુક અને હૃદયસ્પર્શી દૃશ્ય જોવા મળ્યું હતું. સ્થાનિક સ્તરે ક્રિકેટ રમતા રોહિત નામના યુવકનું લાંબી બીમારી બાદ નિધન થતાં પરિવારજનો, મિત્રો અને વિસ્તારના લોકોએ ભારે શોક વ્યક્ત કર્યો હતો.
રોહિતને ક્રિકેટ પ્રત્યે અતિશય લગાવ હતો અને તે સ્થાનિક ક્રિકેટ વર્તુળમાં એક પ્રતિભાશાળી બોલર તરીકે ઓળખાતો હતો. તેના ક્રિકેટ પ્રત્યેના સમર્પણ અને પ્રેમને યાદગાર બનાવવા માટે પરિવારજનો અને મિત્રોએ તેની અંતિમ યાત્રાને અનોખું સ્વરૂપ આપ્યું હતું.
અંતિમ યાત્રા દરમિયાન રોહિતના પાર્થિવ દેહની સાથે ક્રિકેટનું બેટ અને બોલ પણ રાખવામાં આવ્યા હતા. આ દૃશ્ય જોઈ ઉપસ્થિત લોકોની આંખો ભીની થઈ ગઈ હતી. મિત્રોના જણાવ્યા મુજબ, મેદાન પર રોહિતની બોલિંગ હંમેશા સૌના આકર્ષણનું કેન્દ્ર રહેતી હતી અને ક્રિકેટ તેના જીવનનો અભિન્ન ભાગ હતો.
ક્રિકેટ પ્રત્યેના તેના અતૂટ પ્રેમને શ્રદ્ધાંજલિ આપવા માટે બેટ અને બોલ સાથે અંતિમ વિદાય આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ અનોખી વિદાય દ્વારા પરિવારજનો, મિત્રો અને વિસ્તારના લોકોએ પોતાના પ્રિય ક્રિકેટરને ભારે હૈયે અંતિમ સલામી અર્પણ કરી હતી.












Leave a Reply