અમદાવાદમાં શેરબજારમાં ઊંચા નફાની લાલચ આપીને પોતાના જ કૌટુંબિક મામા અને અન્ય સગા-સંબંધીઓ સાથે 10.36 કરોડ રૂપિયાથી વધુની છેતરપિંડી આચરવાનો મોટો કૌભાંડ પ્રકાશમાં આવ્યો છે. જગતપુર અને ગાંધીનગરમાં CA ફર્મ ચલાવતા જવલીન નાયક અને તેમની પત્ની બોસકી નાયક સામે ઇકોનોમિક ઓફેન્સ વિંગ (EOW)માં ગુનો નોંધાયા બાદ બંનેની ધરપકડ કરવામાં આવી છે.
ફરિયાદ મુજબ, આરોપી દંપતીએ ફરિયાદી કૌશલ નાયક પાસેથી વર્ષ 2021થી 2025 દરમિયાન આશરે 5.91 કરોડ રૂપિયા અને તેમના અન્ય સગા-સંબંધીઓ પાસેથી 4.44 કરોડ રૂપિયા મેળવ્યા હતા. આમ કુલ 10.36 કરોડ રૂપિયાથી વધુની રકમ શેરબજારમાં રોકાણના બહાને એકત્રિત કરવામાં આવી હતી.
આરોપીઓએ મોટી કંપનીઓ સાથે જોડાણ હોવાનું જણાવી રોકાણ પર 50 ટકા સુધીનો નફો અથવા દર મહિને 3 ટકા વળતર આપવાની લાલચ આપી હતી. પોતાની વૈભવી જીવનશૈલી અને આર્થિક સમૃદ્ધિ દર્શાવી તેમણે રોકાણકારોનો વિશ્વાસ જીત્યો હતો.
કૌભાંડનો પર્દાફાશ ત્યારે થયો જ્યારે ફરિયાદીએ પોતાની દીકરીના અમેરિકા વિઝા માટે રોકાયેલા નાણાં પરત માંગ્યા હતા. પૈસા પરત આપવાના બદલે આરોપીઓએ 50 લાખ રૂપિયા જમા કરાવ્યાની ખોટી બેંક સ્લિપ આપી હતી. તપાસ દરમિયાન આ સ્લિપ બોગસ હોવાનું સામે આવ્યું હતું.
EOWના ACPએ જણાવ્યું કે આરોપીઓએ ફરિયાદીના નામે બોગસ કંપની બનાવી ખોટી સહીઓ દ્વારા નાણાકીય વ્યવહારો પણ કર્યા હતા. બંને આરોપીઓ વ્યવસાયે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હોવાથી નાણાકીય વ્યવહારો છુપાવવામાં કુશળ હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.
પોલીસે બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરી 21 જૂન સુધીના રિમાન્ડ મેળવ્યા છે. હાલમાં તેમની મની ટ્રેલ, રોકાણ કરેલી સંપત્તિઓ તથા અન્ય સંભવિત ભોગ બનનારાઓ અંગે સઘન તપાસ ચાલી રહી છે. પોલીસે જણાવ્યું છે કે જો અન્ય કોઈ વ્યક્તિ પણ આ દંપતીની છેતરપિંડીનો ભોગ બન્યો હોય તો તે ફરિયાદ નોંધાવવા આગળ આવી શકે છે.












Leave a Reply