અધિક જેઠ માસની સોમવતી અમાસ નિમિત્તે આજે વડોદરા શહેર સહિત સમગ્ર વિસ્તારમાં આવેલા મહાદેવ મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓ ભગવાન શિવના દર્શન, જળાભિષેક, દુધાભિષેક અને બિલ્વપત્ર અર્પણ કરવા માટે મંદિરોમાં ઉમટી પડ્યા હતા. શહેરના ઇએમઈ મંદિર, નીલકંઠ મહાદેવ, સિદ્ધનાથ મહાદેવ સહિતના વિવિધ શિવાલયોમાં “હર હર મહાદેવ” અને “ૐ નમઃ શિવાય”ના નાદથી ભક્તિમય વાતાવરણ છવાઈ ગયું હતું.
અધિક માસ અને સોમવતી અમાસના પવિત્ર સંયોગને કારણે નર્મદા કાંઠે આવેલા પ્રસિદ્ધ કરનાળી સ્થિત કુબેર ભંડારી ધામ ખાતે પણ હજારો ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો. શ્રદ્ધાળુઓએ નર્મદામાં પવિત્ર સ્નાન કરીને ભગવાન શિવ અને કુબેર ભંડારીના દર્શન કર્યા હતા. ભક્તોની ભારે ભીડને કારણે મંદિરમાં લાંબી કતારો જોવા મળી હતી. યાત્રાળુઓની સુવિધા અને સુરક્ષા માટે ટ્રસ્ટ તેમજ સ્થાનિક તંત્ર દ્વારા વિશેષ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી હતી.
મહિલાઓએ પરિવારના સુખ, સમૃદ્ધિ અને કલ્યાણ માટે વ્રત-ઉપવાસ રાખી પૂજા-અર્ચના કરી હતી. દિવસભર મંદિરોમાં ધાર્મિક કાર્યક્રમો, ભજન-કીર્તન અને મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. સોમવતી અમાસના આ પાવન અવસરે શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડતાં મહાદેવ મંદિરો અને તીર્થસ્થળો ભક્તિમય માહોલથી ગુંજી ઉઠ્યા હતા.














Leave a Reply