રાજકોટ: રાજ્યભરમાં સાયબર ફ્રોડમાં ઉપયોગ માટે પોતાના બેંક ખાતા ભાડે આપનારાઓ સામે ચાલી રહેલા ‘ઓપરેશન મ્યુલ હન્ટ’ના બીજા તબક્કામાં કાર્યવાહી વધુ તેજ બની છે. રાજકોટ જિલ્લામાં વિવિધ પોલીસ મથકોમાં કુલ 8 ગુના નોંધવામાં આવ્યા છે, જેમાં સંડોવાયેલા 16 આરોપીઓમાંથી 9ની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે 7 આરોપીઓ હજુ ફરાર છે.
તપાસ દરમિયાન સામે આવ્યું છે કે આ તમામ આરોપીઓના 8 બેંક ખાતાઓમાં દેશભરના સાયબર ફ્રોડના કુલ ₹1.78 કરોડ જમા થયા હતા. આ મામલે વિવિધ રાજ્યોમાંથી કુલ 50 ફરિયાદો નોંધાઈ હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું છે.
રાજકોટ રૂરલ એસપી વિજયસિંહ ગુર્જરે જણાવ્યું હતું કે ધરપકડ કરાયેલા આરોપીઓએ ₹5,000થી ₹10,000ના વળતરમાં પોતાના બેંક ખાતા એક મહિના માટે અન્ય લોકોને ઉપયોગ માટે આપ્યા હતા. કેટલાક ગ્રામ્ય વિસ્તારોના લોકોએ પણ ખાતા ભાડે આપ્યા હોવાની વિગતો સામે આવી છે, પરંતુ તેમને ખાતાનો ઉપયોગ સાયબર ફ્રોડ માટે થવાનો હોવાની જાણ ન હોવાથી તેમની સામે કોઈ ગુનો નોંધવામાં આવ્યો નથી. માત્ર જાણકારી અને સંમતિ સાથે ખાતા ભાડે આપનારાઓને જ આરોપી બનાવવામાં આવ્યા છે.
એસપીએ વધુમાં જણાવ્યું હતું કે તપાસ દરમિયાન કેટલાક ખાતાઓમાં ઓનલાઈન ગેમિંગ સંબંધિત રકમ પણ જમા થઈ હોવાનું સામે આવ્યું છે, જોકે હાલની કાર્યવાહી માત્ર સાયબર ફ્રોડ સાથે સંબંધિત નાણાકીય વ્યવહારોને ધ્યાનમાં રાખીને કરવામાં આવી રહી છે. આગામી દિવસોમાં વધુ ગુનાઓ નોંધાય તેવી શક્યતા છે.
વિવિધ પોલીસ મથકોમાં નોંધાયેલા ગુનાઓ
વિંછીયા, ગોંડલ સિટી બી-ડિવિઝન, મેટોડા, જસદણ, ગોંડલ તાલુકા અને પડધરી પોલીસ મથકોમાં એક-એક ગુનો નોંધાયો છે, જ્યારે ધોરાજી પોલીસ મથકમાં બે ગુનાઓ નોંધાયા છે.
અત્યાર સુધી ધરપકડ કરાયેલા આરોપીઓમાં સાગર ઝાપડીયા, યોગેશ રાઠોડ, સુલતાનશા શાહમદાર, મોસીન શાહમદાર, હુસેન કાસમાણી, મિતલ રૂપારેલીયા, મહિપત પરમાર, ભરત રાવતાણી અને સાગર દાણીધારીયાનો સમાવેશ થાય છે.
કયા ગુનામાં કેટલા રૂપિયાનો સાયબર ફ્રોડ?
પોલીસ તપાસ મુજબ વિંછીયાના બે આરોપીઓના ખાતામાં ₹25 હજાર, ગોંડલ સિટી બી-ડિવિઝનના ચાર આરોપીઓના ખાતામાં ₹40 હજાર, મેટોડાના બે આરોપીઓના ખાતામાં ₹62 લાખ, ધોરાજીના પાંચ આરોપીઓના ખાતામાં ₹30 લાખ, જસદણના એક આરોપીના ખાતામાં ₹1 લાખ, ગોંડલ તાલુકાના એક આરોપીના ખાતામાં ₹84.86 લાખ અને પડધરીના એક આરોપીના ખાતામાં ₹20 હજારની સાયબર ફ્રોડની રકમ જમા થઈ હતી.
સુરત કનેક્શન સામે આવ્યું, 7 આરોપીઓ હજુ ફરાર
આ સમગ્ર પ્રકરણમાં સુરત સાથે પણ મહત્વપૂર્ણ કનેક્શન સામે આવ્યું છે. ફરાર આરોપીઓમાં ઉધના (સુરત)ના કૃણાલ હાથીવાલા સહિત સાહિલ, હિતેશ સલાટ, સિરાજ ખલીફા, સોહેલ શેખ અને શકીલ અગવાનના નામ સામે આવ્યા છે. આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસની વિશેષ ટીમ સુરત રવાના કરવામાં આવી છે અને તેમની શોધખોળ શરૂ કરવામાં આવી છે.
પોલીસના જણાવ્યા મુજબ, સાયબર ફ્રોડ નેટવર્કમાં બેંક ખાતા ભાડે આપવાની પ્રથા સામે રાજ્યભરમાં કાર્યવાહી ચાલુ રહેશે અને આવા ગુનાઓમાં સંડોવાયેલા તમામ લોકો સામે કડક કાનૂની પગલાં લેવામાં આવશે.













Leave a Reply