અમદાવાદના મોટેરા જૂના ગામમાં આસારામ આશ્રમ નજીક આવેલા ગેરકાયદે બાંધકામો સામે આજે (6 જૂન) અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના પશ્ચિમ ઝોન દ્વારા વ્યાપક ડિમોલિશન કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ચાંદખેડા પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે તંત્રએ કુલ 17 મકાનોના ગેરકાયદે ભાગોને તોડી પાડ્યા હતા.
AMCના જણાવ્યા અનુસાર, અસરગ્રસ્ત પરિવારોને અગાઉથી નોટિસ આપવામાં આવી હતી તેમજ ભાડું અને વૈકલ્પિક વ્યવસ્થાની ખાતરી પણ આપવામાં આવી હતી. તેમ છતાં મકાનો ખાલી ન કરાતા અંતે ડિમોલિશનની કાર્યવાહી અમલમાં મૂકવામાં આવી હતી.
સ્થાનિકોનો વિરોધ, તંત્ર સાથે ઘર્ષણ
શનિવારે સવારે AMC અને પોલીસનો કાફલો સ્થળ પર પહોંચતા જ સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. રહેવાસીઓ પોતાના માલિકીના દસ્તાવેજો સાથે રસ્તા પર ઉતરી આવ્યા હતા અને અધિકારીઓને કાર્યવાહી અટકાવવા રજૂઆતો કરી હતી. પરિસ્થિતિ તંગ બનતા AMCના અધિકારીઓએ માઇક દ્વારા જાહેરાત કરીને રહેવાસીઓને સામાન હટાવવા અને મકાન ખાલી કરવા માટે 30 મિનિટનો સમય આપ્યો હતો.
JCB દ્વારા તોડફોડ શરૂ થતાં ભાવુક દ્રશ્યો
તંત્ર દ્વારા આપવામાં આવેલી મુદત પૂર્ણ થતાં જ JCB મશીનો દ્વારા ડિમોલિશન શરૂ કરવામાં આવ્યું હતું. મકાનો તૂટતા અનેક પરિવારો ભાવુક બન્યા હતા. નાના બાળકોના રડવાના અવાજો વચ્ચે સમગ્ર વિસ્તારમાં ગમગીન માહોલ છવાઈ ગયો હતો.
આ દરમિયાન એક સ્થાનિક યુવકે આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારતા પોલીસ તાત્કાલિક હરકતમાં આવી હતી અને તેને અટકાયતમાં લઈ પરિસ્થિતિ નિયંત્રણમાં લીધી હતી.
પરીક્ષા આપતી દીકરીનું ઘર તૂટતાં પરિવારની વ્યથા
ડિમોલિશન દરમિયાન અનેક પરિવારો બેઘર બન્યા હતા. એક માતાએ મીડિયા સમક્ષ પોતાની વ્યથા વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, “આજે મારી દીકરીની કોન્સ્ટેબલ ભરતી પરીક્ષા હતી, પરંતુ તે દરમિયાન જ અમારું ઘર તોડી પાડવામાં આવ્યું. દીકરીના ભવિષ્યની ચિંતા વચ્ચે અમે ઘરવિહોણા બની ગયા છીએ.”
સ્થાનિકોના વિરોધ અને ભાવુક દ્રશ્યો વચ્ચે પણ AMCએ પોતાની કાર્યવાહી યથાવત રાખી હતી અને ગેરકાયદે બાંધકામોને દૂર કર્યા હતા. ઘટનાને પગલે સમગ્ર મોટેરા વિસ્તારમાં તંગદિલીભર્યો માહોલ જોવા મળી રહ્યો છે.














Leave a Reply