શહેરના મેઘાણીનગર વિસ્તારમાં ધોળા દિવસે હત્યાના બનાવથી ચકચાર મચી ગઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર સામાન્ય બોલાચાલીમાં યુવકને છરીના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી હતી. રોડ પર બનાવ બનતા મોટી સંખ્યામાં લોકોના ટોળેટોળા એકઠા થયા હતા. સ્થાનિક પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને ક્રાઈમ સીનને કોર્ડન કર્યો હતો. એટલું જ નહીં, રોડને વાહન વ્યવહાર માટે બંધ કરવાની ફરજ પડી હતી. બનાવની જાણ થતાં પરિવારજનો દોડી આવ્યા હતા અને તેમના હૈયાફાટ રૂદનથી વાતાવરણ ગમગીન બન્યું હતું. પોલીસે હત્યાનો ગુનો દાખલ કરીને આગળની તપાસ હાથ ધરી હતી.
સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મૃતક યુવકની ઓળખ હરેશ પટણી તરીકે થઈ છે, જે મેઘાણીનગર વિસ્તારમાં જ આવેલા લક્ષ્મીનગરનો રહેવાસી હતો. સવારે 11 વાગ્યાની આસપાસ હરેશ પોતાના ઘરની બહાર નીકળીને રિક્ષામાં બેસી ગુલબર્ગ સોસાયટી ગયો હતો. અહીં અચાનક કેટલાક અજાણ્યા લોકો ત્યાં પહોંચ્યા હતા અને હરેશ સાથે ઝઘડો કરવા લાગ્યા હતા. બોલાચાલી ઉગ્ર બનતા ટોળાએ હુમલાનો પ્રયાસ કર્યો હતો.
ટોળું હરેશ પાછળ પડ્યું હતું અને રોડની વચ્ચોવચ્ચ તીક્ષ્ણ હથિયારના ઘા ઝીક્યા હતા. હુમલા બાદ હરેશ લોહીલુહાણ હાલતમાં જીવ બચાવવા દોડ્યો હતો પરંતુ લોહી વધુ વહી જવાને કારણે તે રોડ પર જ ઢળી પડ્યો હતો અને તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
બનાવની જાણ થતાં સ્થાનિક પોલીસ અને ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. હત્યાને પગલે સ્થાનિક લોકો રોષે ભરાયા હતા અને ઉશ્કેરાયા હતા. સ્થિતિ વધુ વણસી ન જાય તે માટે પોલીસે સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને ટોળું વિખેરી પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. હરેશના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. પરિવાર ન્યાયની માંગણી સાથે રસ્તા પર ઉતર્યા છે. હત્યાનું કારણ હજી સુધી જાણી શકાયું નથી પરંતુ સ્થાનિકોમાં જૂની અદાવતમાં આ બનાવ બન્યો હોવાની હાલ ચર્ચા ચાલી રહી છે. પરંતુ ચોક્કસ કારણ પોલીસ તપાસ પછી જ સામે આવશે. હાલ પોલીસે હત્યાનો ગુનો દાખલ કરીને હત્યારાઓની શોધખોળ હાથ ધરી છે.












Leave a Reply