અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના ડરણ ગામમાં સિંચાઈ વિભાગ દ્વારા ખેડૂતોની જમીનની વચ્ચેથી પાઈપલાઈન નાખવાની કામગીરીને લઈને ભારે વિવાદ સર્જાયો છે. ખેડૂતોનો આક્ષેપ છે કે વિભાગે કોઈ પૂર્વ સૂચના આપ્યા વિના તેમજ યોગ્ય વળતર અંગે કોઈ સ્પષ્ટતા કર્યા વગર કામગીરી શરૂ કરવાનો પ્રયાસ કર્યો હતો, જેના કારણે ગ્રામજનો અને ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.
ખેડૂતોનો વિરોધ, વળતરની માંગ ઉગ્ર બની
મળતી માહિતી મુજબ, ચાંગોદર, ચાચારવાડી વાસણા અને ગેલોપ વિસ્તારના વરસાદી પાણીના નિકાલ માટે ડરણ ગામના ખેતરોમાંથી પાઈપલાઈન પસાર કરવાની યોજના બનાવવામાં આવી હતી. જોકે, ખેડૂતોનું કહેવું છે કે તેમની સંમતિ લીધા વિના અને કોઈ નોટિસ આપ્યા વગર તંત્રે કામગીરી હાથ ધરવાનો પ્રયાસ કર્યો હતો. ખેડૂતોના મતે, ખેતીલાયક જમીનને નુકસાન પહોંચાડતી આવી કામગીરી પહેલાં યોગ્ય વળતર અને કાયદાકીય પ્રક્રિયાનું પાલન થવું જરૂરી છે.
સ્થળ પર ભારે તંગદિલી, પોલીસ કાફલો તૈનાત
પાઈપલાઈન કામગીરીના વિરોધમાં મોટી સંખ્યામાં ખેડૂતો સ્થળ પર એકત્ર થયા હતા અને કલાકો સુધી વિરોધ પ્રદર્શન કર્યું હતું. પરિસ્થિતિ વધુ તંગ બનતા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે સાણંદ અને ચાંગોદર પોલીસ સ્ટેશનનો પોલીસ કાફલો ઘટનાસ્થળે તૈનાત કરવામાં આવ્યો હતો. ગામના લોકો અને ખેડૂતો એક થઈને વિરોધમાં જોડાતા વાતાવરણ વધુ ગરમાયું હતું.
અધિકારીઓએ ખેડૂતો સાથે ચર્ચા કરી
વિવાદ વધતા સિંચાઈ વિભાગના ઉચ્ચ અધિકારીઓ પણ સ્થળ પર પહોંચ્યા હતા અને ખેડૂતો સાથે ચર્ચા તથા સમજાવટના પ્રયાસો કર્યા હતા. ખેડૂતોના ભારે વિરોધ અને રજૂઆતોને ધ્યાનમાં રાખીને વિભાગે હાલ પૂરતી પાઈપલાઈન નાખવાની કામગીરી સ્થગિત રાખવાનો નિર્ણય લીધો છે.
ન્યાયસંગત વળતર વિના મંજૂરી નહીં
ખેડૂતોએ સ્પષ્ટ જણાવ્યું છે કે યોગ્ય વળતર, પારદર્શક પ્રક્રિયા અને તેમની સંમતિ વિના તેઓ પોતાની જમીનમાંથી પાઈપલાઈન પસાર થવા દેશે નહીં. હાલ સમગ્ર મામલે તંત્ર અને ખેડૂતો વચ્ચે ચર્ચા ચાલુ છે, જ્યારે ગામમાં સ્થિતિ પર પોલીસ સતત નજર રાખી રહી છે.












Leave a Reply