મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધ અને વૈશ્વિક સ્તરે સર્જાયેલી ઈંધણ સંકટની સ્થિતિના કારણે દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. સાથે જ ડીઝલનો પુરવઠો પણ મર્યાદિત થઈ રહ્યો હોવાથી ગુજરાતમાં ગેરકાયદે બાયો ડીઝલના વેપારમાં ફરી એકવાર તેજી આવી છે. ખાસ કરીને અમદાવાદ અને સુરતથી સૌરાષ્ટ્ર-કચ્છ તરફ જતાં ટ્રક તથા ખાનગી લક્ઝરી બસ સંચાલકો હવે મોટા પ્રમાણમાં બાયો ડીઝલનો ઉપયોગ કરવા લાગ્યા હોવાનું સામે આવ્યું છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, સૌરાષ્ટ્ર અને કચ્છમાં એક સમય દરમિયાન બાયો ડીઝલના ગેરકાયદે પંપોનું મોટું નેટવર્ક કાર્યરત હતું. જોકે, સરકારી દરોડા અને કાર્યવાહી બાદ આ ગેરકાયદે ધંધા પર અંકુશ આવ્યો હતો. હવે ડીઝલના વધતા ભાવ અને પુરવઠાની અછતનો લાભ લઈ જૂના તત્વો ફરી સક્રિય બન્યા છે. હાઈવે પર ખુલ્લેઆમ પંપ ચલાવવાને બદલે હવે ખેતરો, પ્લોટ અને એકાંત સ્થળોએ બાયો ડીઝલનું વેચાણ કરવામાં આવી રહ્યું હોવાનું જાણવા મળ્યું છે.
અમદાવાદથી પોરબંદર જતી અનેક ખાનગી ટ્રાવેલ્સ બસો ગોંડલ અને જેતપુર વચ્ચે આવેલા બાયો ડીઝલ સપ્લાય પોઈન્ટ પરથી ઈંધણ ભરાવતી હોવાના અહેવાલ છે. જામનગર રૂટ પર ધ્રોલ બાદ તેમજ જૂનાગઢ અને કચ્છ તરફ જતા માર્ગો પર ધ્રાંગધ્રા નજીક પણ બાયો ડીઝલનું નેટવર્ક સક્રિય બન્યું હોવાનું ચર્ચાઈ રહ્યું છે. અમદાવાદ-રાજકોટ હાઈવે પર પણ કેટલાક ખનીજ માફિયાઓ આ કારોબારમાં પ્રવેશી ગયા હોવાનું સ્થાનિક સ્ત્રોતો જણાવે છે.
એક ટ્રાન્સપોર્ટ વ્યવસાયી અનુસાર, બાયો ડીઝલનો ભાવ સામાન્ય ડીઝલ કરતાં પ્રતિ લિટર ₹20થી ₹25 સુધી સસ્તો પડે છે અને વાહનની માઈલેજ પર પણ ખાસ અસર થતી નથી. ખાસ કરીને BS-6 પહેલાંના વાહનોમાં બાયો ડીઝલના ઉપયોગથી એન્જિનને મોટું નુકસાન થતું નથી. જેના કારણે ઘણા ટ્રાન્સપોર્ટરો હવે 80 ટકા બાયો ડીઝલ અને 20 ટકા સામાન્ય ડીઝલના મિશ્રણનો ઉપયોગ કરી રહ્યા છે.
લક્ઝરી બસ સંચાલકોનું પણ કહેવું છે કે મુસાફરીના ભાડામાં વધારો કરવા છતાં ખર્ચ સામે પૂરતો નફો મળતો નથી. ડીઝલના સતત વધી રહેલા ખર્ચને પહોંચી વળવા તેઓ પણ બાયો ડીઝલ તરફ વળી રહ્યા છે.
આ સમગ્ર મામલામાં કેટલાક બાયો ડીઝલ વેપારીઓને રાજકીય અને સ્થાનિક સ્તરે પ્રભાવશાળી લોકોનું સમર્થન મળતું હોવાના આક્ષેપો પણ થઈ રહ્યા છે. સાથે જ પુરવઠા વિભાગ અને પ્રદૂષણ નિયંત્રણ સંબંધિત એજન્સીઓની કામગીરી સામે પણ સવાલો ઊભા થયા છે. ડીઝલની અછત અને ભાવવધારાની પરિસ્થિતિ વચ્ચે રાજ્યમાં બાયો ડીઝલના ગેરકાયદે વેપારે ફરી એકવાર માથું ઊંચક્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે.













Leave a Reply