Yes TV

News Website

ATMમાં આવનારાના કાર્ડ બદલી છેતરપિંડી કરતા બે ઝડપાયા

ATMમાં આવનારાના કાર્ડ બદલી છેતરપિંડી કરતા બે ઝડપાયા
Views 5

શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા એટીએમમાં આવતા બેંક ખાતાધારકો સાથે છેતરપિંડી કરતી ગેંગે હાહાકાર મચાવી દીધો હતો. ગેંગનો એક શખ્સ પૈસા ઉપાડવા આવતા વ્યક્તિને પહેલા વાતોમાં વ્યસ્ત કરતો હતો. જ્યારે અન્ય આરોપી પીન નંબર જાણીને વિવિધ બહાના બતાવીને જે તે વ્યક્તિનું ATM કાર્ડ બદલી નાખતો હતો. જ્યારે ભોગ બનનાર ત્યાંથી રવાના થઇ જાય ત્યારે ગઠિયાઓ કાર્ડનો ઉપયોગ કરીને પીન નંબર નાખીને રૂપિયા ઉપાડી લેતા હતા. આ ગેંગનો આતંક વધતા જ ઇસનપુર પોલીસે ચોક્કસ ટાઇમ નક્કી કરીને એટીએમ સેન્ટર પર વોચ ગોઠવી હતી. જે બાદ પોલીસે સીસીટીવી આધારે બાઇકના નંબર સહિતની વિગતો આધારે હરિયાણાના બે આરોપીને ઝડપી પાડ્યા છે. આરોપીઓએ શહેરમાં આ પ્રકારે કુલ 10 ગુના આચર્યા હોવાનું સામે આવ્યું છે. 

શહેરના આનંદનગર, સરખેજ, ઇસનપુર અને વેજલપુરમાં છેલ્લા કેટલાક માસથી એટીએમ સેન્ટર ખાતે છેતરપિંડી કરતી ગેંગનો આતંક વધી ગયો હતો. એટીએમમાં નાણાં વિડ્રો કરવા આવતા કે નાણાં જમા કરાવવા આવતા લોકો સાથે વિવિધ પ્રકારે છેતરપિંડી થતી હતી. ખાતાધારકો જ્યારે એટીએમ સેન્ટર પર આવે ત્યારે નાણાં ન ઉપડે કે સ્લીપ ન આવે કે પછી ટેકનિકલ એરર આવે ત્યારે ગઠિયાઓ મદદ કરવાના બહાને ભોગ બનનાર સાથે વાત કરતા હતા. એક આરોપી વાતો કરે ત્યારે બીજો આરોપી પહેલા વાતોમાં વ્યસ્ત કરતો હતો. જ્યારે અન્ય આરોપી પીન નંબર જાણીને વિવિધ બહાના બતાવીને જે તે વ્યક્તિનું ATM કાર્ડ બદલી નાખતો હતો. જ્યારે ભોગ બનનાર ત્યાંથી રવાના થઇ જાય ત્યારે ગઠિયાઓ કાર્ડનો ઉપયોગ કરીને પીન નંબર નાખીને રૂપિયા ઉપાડી લેતા હતા. આ પ્રકારના બનાવો અટકે તે માટે ઇસનપુર પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર બી.એસ. જાડેજાની ટીમે એટીએમ સેન્ટરના સીસીટીવી તપાસ્યા હતા. જે બાદ ચોક્કસ સમય નક્કી કરીને એટીએમ સેન્ટર પર જ વોચ ગોઠવી હતી. આ દરમિયાનમાં ઇસનપુર પોલીસે હરિયાણાના રવિ કુમાર અને સંજય સૈની નામના આરોપીઓની ધરપકડ કરી છે. પકડાયેલા આરોપીઓ પાસેથી પોલીસે 28 ડેબિટકાર્ડ, બાઇક અને રોકડા સહિત 1.14 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આરોપીઓએ ઇસનપુરમાં બે, વેજલપુરમાં ચાર, સરખેજમાં એક અને આનંદનગરમાં ત્રણ લોકો સાથે છેતરપિંડી આચરી હોવાનું સામે આવ્યું છે. 

કેશ વિડ્રો લિમિટ પૂરી થાય તો ગોલ્ડ ખરીદી લેતા

ઇસનપુર પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ નજર ચૂકવીને કાર્ડ બદલી નાખીને અગાઉથી જાણી લીધેલો પીનનંબર નાખીને નાણાં વિડ્રો કરતા હતા. કોઇ ધારકના કાર્ડની કેશ વિડ્રોની લિમિટ પૂર્ણ થઇ ગઇ હોય તો આરોપીઓ લિમિટ મુજબના નાણાં મેળવીને નજીકની દુકાનમાં જઇને કાર્ડ સ્વાઇપ કરીને ગોલ્ડ ખરીદી લેતા હોવાનું તપાસમાં સામે આવ્યું છે. 

પહેલા મિત્રો સાથે પ્રેક્ટિસ કરી પછી એક બાદ એક ગુના આચર્યા

પકડાયેલા આરોપી પૈકી એક આરોપી ધો.10 જ્યારે અન્ય આરોપી અભણ છે. આરોપી સંજય સૈની સામે ગોવામાં ચાર ગુના નોંધાયા છે, જ્યારે રવિ સામે દિલ્હીમાં એક ગુનો નોંધાયો છે. આરોપીઓ ટ્રેનમાં જ બાઇક લઇને હરિયાણાથી આવતા હતા. બાદમાં વિવિધ વિસ્તારોમાં જઇને ગુના આચરતા હતા. આરોપીઓએ આ ગુના આચરતા પહેલા એટીએમ સેન્ટરો ખાતે મિત્રો સાથે જઇને પ્રેક્ટિસ કરી હતી અને બાદમાં અનેક ગુના આચર્યા હોવાનું સામે આવ્યું છે. 

કેટલું સોનું ખરીદ્યું તેની તપાસ શરૂ

આરોપીઓએ અંદાજે છ લાખ ઉપાડીને અનેક લોકો સાથે છેતરપિંડી આચરી છે. આરોપીઓએ કેટલાક કાર્ડથી સોનું પણ ખરીદ્યું હોવાથી કઇ કઇ દુકાનોમાંથી સોનાની ખરીદી કરી તે બાબતે તપાસ કરાશે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *