મહારાષ્ટ્રના લોકપ્રિય હિલ સ્ટેશન મહાબલેશ્વર નજીક એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. કોંકણથી પરત ફરી રહેલા પ્રવાસીઓની સ્કોર્પિયો કાર અનિયંત્રિત બની આશરે 1500 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી હતી. આ હૃદયદ્રાવક અકસ્માતમાં સતારાના 8 યુવકોનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હોવાનું સામે આવ્યું છે. ખીણ અત્યંત ઊંડી અને જોખમી હોવાના કારણે બચાવ કામગીરીમાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
વહેલી સવારે આંબેનલી ઘાટમાં સર્જાયો અકસ્માત
મળતી માહિતી મુજબ, આ અકસ્માત આંબેનલી ઘાટ વિસ્તારમાં રવિવાર અને સોમવારની મધ્યરાત્રિ દરમિયાન વહેલી સવારે અંદાજે 2:45 વાગ્યે સર્જાયો હતો. અકસ્માતગ્રસ્ત સ્કોર્પિયો કાર સતારા જિલ્લાના કોરેગાંવ તાલુકાના આસગાંવ ગામની હોવાનું જાણવા મળ્યું છે. કારમાં સવાર યુવકો કોંકણના હરણાઈ બીચ પરથી પરત ફરી રહ્યા હતા. પોલાદપુર માર્ગ પરથી સતારા તરફ જતાં સમયે ડ્રાઇવરે વાહન પરથી કાબૂ ગુમાવતા કાર સીધી ખીણમાં પટકાઈ હતી.
2018ની બસ દુર્ઘટનાની યાદ ફરી તાજી
આ અકસ્માત એ જ વિસ્તાર નજીક થયો છે, જ્યાં વર્ષ 2018માં દાપોલી કૃષિ યુનિવર્સિટીની બસ ખીણમાં ખાબકતાં મોટો અકસ્માત સર્જાયો હતો. પોલાદપુર પોલીસ સ્ટેશનના અધિકારી આનંદ રાવડેના જણાવ્યા અનુસાર, અંધારું અને જોખમી વળાંકોના કારણે ડ્રાઇવરે કાર પરથી નિયંત્રણ ગુમાવ્યું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.
દૂરબીનની મદદથી હાથ ધરાયું સર્ચ ઓપરેશન
અકસ્માતની જાણ થતાં જ પોલીસ, સ્થાનિક બચાવ દળો અને ટ્રેકર્સની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ખીણ અત્યંત ઊંડી અને જોખમી હોવાથી શરૂઆતમાં દૂરબીનની મદદથી શોધખોળ શરૂ કરવામાં આવી હતી. ત્યારબાદ રેસ્ક્યુ ટીમે ભારે મુશ્કેલી વચ્ચે આશરે 500થી 700 ફૂટ ઊંડાઈમાંથી બે મૃતદેહોને બહાર કાઢવામાં સફળતા મેળવી હતી.
સતારાના યુવકો બન્યા અકસ્માતનો ભોગ
પ્રાથમિક તપાસ અનુસાર, કારમાં સવાર તમામ યુવકો સતારા જિલ્લાના આસગાંવ અને કોરેગાંવ વિસ્તારના રહેવાસી હતા. હાલ પોલીસ અને રેસ્ક્યુ ટીમો દ્વારા બાકીના મૃતદેહો અને અકસ્માતગ્રસ્ત વાહનને બહાર કાઢવા માટે યુદ્ધના ધોરણે કામગીરી ચાલુ રાખવામાં આવી રહી છે.













Leave a Reply