અમદાવાદના આઉટર વિસ્તારમાં આવેલા દસક્રોઈ તાલુકાના ગામડી ગામ પાસે એક ગમખ્વાર હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. માતા સાથે ખરીદી કરીને ઘરે પરત ફરેલા સાડા ત્રણ વર્ષના માસૂમ બાળકને બેફામ ગતિએ આવતા પિક-અપ ટેમ્પોએ અડફેટે લેતા તેનું કરુણ મોત નીપજ્યું હતું. સારવાર દરમિયાન બાળકનું મોત થતાં સમગ્ર શ્રમિક પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.
ખરીદી બાદ ઘરે પહોંચતા જ સર્જાઈ દુર્ઘટના
મૂળ મહેસાણા જિલ્લાના રહેવાસી અને હાલ ગામડી ગામ નજીક મજૂરી કામ કરતા નવઘણભાઈ ઝાલાનો પુત્ર ક્રિષ્ણા આ અકસ્માતનો ભોગ બન્યો હતો. 21 મેની સાંજે ક્રિષ્ણાની માતા વર્ષાબહેન અન્ય મહિલાઓ અને બાળકો સાથે વટવા વિસ્તારમાં કરિયાણું લેવા ગયા હતા. સાંજે આશરે 7 વાગ્યે તેઓ રિક્ષામાં ઘરે પરત ફરી ગામડી ખાતે આવેલા ‘સ્વાસ્તિક-2’ ફ્લેટ્સ નજીક ઊતર્યા હતા.
પૂરઝડપે આવેલા પિક-અપે માસૂમને કચડી નાખ્યો
પરિવાર રસ્તાની બાજુમાં ઊભો હતો ત્યારે અચાનક એક પિક-અપ ટેમ્પોનો ચાલક બેદરકારીપૂર્વક અને ઝડપી ગતિએ વાહન હંકારી આવ્યો હતો. ટેમ્પોએ સીધી ટક્કર મારતા માસૂમ ક્રિષ્ણા ગંભીર રીતે ઘવાયો હતો. અકસ્માત દરમિયાન વાહનનું વ્હીલ ફરી વળતાં બાળકના માથા અને શરીરના ભાગોમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માત સર્જ્યા બાદ ચાલક વાહન સાથે ફરાર થઈ ગયો હતો.
ત્રણ હોસ્પિટલમાં સારવાર છતાં બચી ન શક્યો જીવ
લોહીલુહાણ હાલતમાં બાળકને પ્રથમ વટવાની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ત્યારબાદ વધુ સારવાર માટે એલ.જી. હોસ્પિટલ અને પછી SVP હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જોકે, તબીબોની તમામ કોશિશો છતાં રાત્રે 10:34 વાગ્યે બાળકને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતાં મજૂરી કામે ગયેલા પિતા તરત જ હોસ્પિટલ દોડી આવ્યા હતા.
પોલીસે CCTV આધારે તપાસ શરૂ કરી
આ મામલે વિવેકાનંદનગર પોલીસે અજાણ્યા પિક-અપ ટેમ્પોના ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. ફરાર ચાલકને ઝડપી પાડવા માટે પોલીસે હાઈવે અને આસપાસના વિસ્તારોના CCTV ફૂટેજ ચકાસવાની કાર્યવાહી હાથ ધરી છે.














Leave a Reply