દેશમાં મોંઘવારીનો વધુ એક મોટો માર સામાન્ય જનતા પર પડ્યો છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં તાજેતરમાં થયેલા વધારા બાદ હવે સીએનજી (CNG) ના ભાવમાં પણ વધારો કરવામાં આવ્યો છે. ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ શનિવારથી સીએનજીની કિંમતોમાં પ્રતિ કિલો 1 રૂપિયાનો વધારો જાહેર કરતા સામાન્ય લોકોના ખિસ્સા પર વધુ બોજો વધ્યો છે.
છેલ્લા 10 દિવસમાં ઈંધણના ભાવમાં આ ત્રીજી વખતનો વધારો નોંધાયો છે. નવા ભાવ વધારા બાદ દિલ્હીમાં સીએનજીનો દર ₹80.09 પ્રતિ કિલોથી વધીને ₹81.09 પ્રતિ કિલો થયો છે. માત્ર દસ દિવસમાં જ સીએનજી લગભગ 4 રૂપિયા પ્રતિ કિલો મોંઘી થઈ ગઈ છે, જ્યારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પણ આશરે પોણા પાંચ રૂપિયાનો વધારો થયો છે.
આંતરરાષ્ટ્રીય સ્તરે પશ્ચિમ એશિયામાં સર્જાયેલા તણાવ અને ઈરાન યુદ્ધની અસર હવે ભારતના ઈંધણ બજાર પર પણ સ્પષ્ટ જોવા મળી રહી છે. ઈંધણ સપ્લાય ચેઇન પર પડેલા પ્રભાવને કારણે સ્થાનિક બજારમાં સતત ભાવવધારો થઈ રહ્યો છે.
અત્યાર સુધી સીએનજીને પેટ્રોલ અને ડીઝલની સરખામણીએ સસ્તો અને કિફાયતી વિકલ્પ માનવામાં આવતો હતો, પરંતુ સતત વધી રહેલા ભાવને કારણે હવે તે પણ સામાન્ય લોકો માટે મોંઘી સાબિત થઈ રહી છે. આ વધારાની સૌથી મોટી અસર રોજિંદી મુસાફરી કરતા મધ્યમ વર્ગ, ઓટો-ટેક્સી ચાલકો અને કમર્શિયલ વાહન વ્યવસાય સાથે જોડાયેલા લોકો પર પડશે.
ટ્રાન્સપોર્ટ ખર્ચ વધતા આગામી દિવસોમાં શાકભાજી, દૂધ અને અન્ય જરૂરી ચીજવસ્તુઓના ભાવમાં પણ વધારો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે, જેના કારણે મોંઘવારી વધુ વકરી શકે છે.















Leave a Reply