સોના-ચાંદી પર ડ્યૂટી વધારી દેતાં દેશના તમામ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી દાણચોરી વધશે. જે અટકાવવા માટે કસ્ટમ્સની ટીમને એક્ટિવ કરી દેવામાં આવી છે ત્યારે જ કુઆલાલંપુરથી આવેલા એક મુસાફરની હેન્ડબેગમાંથી કસ્ટમ્સની ટીમે રૂપિયા 46.5 કરોડની કિંમતનું 9.30 કિલો હેરોઇન ઝડપી લીધું છે. હેન્ડબેગમાં “Gluta Grow” અને “Crackers Coconut Flavour” લખેલા પેકેટમાં હેરોઇન છુપાવવામાં આવ્યું હતું. કસ્ટમ્સની ટીમે હેરોઇનનો જથ્થો કબજે લઇ મુસાફરની ધરપકડ કરી વધુ તપાસ આદરી છે. ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલા પણ અમદાવાદ એરપોર્ટ પરથી થાઇલેન્ડથી આવેલા મુસાફરની બેગમાંથી સાડા છ કરોડનો હાઇબ્રીડ ગાંજો મળી આવ્યો હતો. અમદાવાદ એરપોર્ટ પર ડ્રગ, હેરોઇન અને ગાંજાની જે રીતે હેરાફેરી વધી છે તે ચિંતાજનક છે.
દેશના તમામ એરપોર્ટ પર કસ્ટમ્સ અને એર ઇન્ટેલિજન્સ યુનિટને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ્સની ટીમ તહેનાત હતી ત્યારે કુઆલાલંપુરથી એર એશિયા ફ્લાઇટ AK 91 લેન્ડ થઇ હતી. તમામ મુસાફરો કસ્ટમ્સ ક્લિયરન્સ અને ઇમિગ્રેશન કરતા હતા ત્યારે જ બેગેજ સ્ક્રીનિંગ વખતે એક મુસાફરની બેગમાં કેટલીક શંકાસ્પદ વસ્તુઓ નજરે પડતી હતી. ફરીથી એક્સ-રે મશીનમાં બેગ ચેક કરવામાં આવતાં તે બેગ પર નિશાન કરવામાં આવ્યું હતું. કસ્ટમ્સની ટીમ પણ આ બેગને લઇને એલર્ટ થઇ ગઇ હતી. કુઆલાલંપુરથી આવેલા મુસાફરે કન્વેયર બેલ્ટ પરથી બેગ ઉઠાવી ત્યારે તેને અટકાવી પૂછપરછ કર્યા બાદ તેની ટ્રોલી બેગ ચેક કરતાં તેમાંથી “Gluta Grow” અને “Crackers Coconut Flavour” લખેલા પેકેટ મળી આવ્યા હતા. જોકે અધિકારીઓએ એફએસએલની ટીમ સાથે રાખી તપાસ કરતાં આ પદાર્થ ખાદ્ય પદાર્થ નહોતો, તે હેરોઇન હતું. તરત જ કસ્ટમ્સની ટીમે 9.30 કિલો હેરોઇન સાથે મુસાફરને ઝડપી લીધો હતો. તે આ 46.5 કરોડનું હેરોઇન કોના માટે લાવ્યો હતો અને તે કેટલા સમયથી હેરોઇનની હેરાફેરી કરી રહ્યો છે તે અંગેની તપાસ શરૂ કરવામાં આવી છે.














Leave a Reply