દેશમાં પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવોને લઈને રાજકારણ ગરમાયું છે. ચાર દિવસમાં બીજી વખત ઇંધણના ભાવમાં વધારો થતાં સામાન્ય જનતાની મુશ્કેલીઓ વધી છે, જ્યારે વિપક્ષે કેન્દ્ર સરકાર સામે આક્રમક વલણ અપનાવ્યું છે. કોંગ્રેસથી લઈને સમાજવાદી પાર્ટી સુધીના અનેક વિરોધ પક્ષોએ ભાવવધારાને લઈને સરકાર પર નિશાન સાધ્યું છે.
કોંગ્રેસનો સરકાર પર પ્રહાર
ઇંધણના ભાવવધારા મુદ્દે કોંગ્રેસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને કેન્દ્ર સરકારને ઘેરી હતી. કોંગ્રેસે લખ્યું કે, ‘મોંઘવારી મેન’ ફરી એકવાર જનતા પર ભારે પડ્યો છે અને આજે ફરી પેટ્રોલ-ડીઝલના ભાવમાં અંદાજે 90 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. પક્ષના દાવા મુજબ, છેલ્લા ચાર દિવસમાં ઇંધણના ભાવમાં કુલ 4 રૂપિયાનો વધારો થયો છે, જેના કારણે અનેક શહેરોમાં પેટ્રોલ 109 રૂપિયા અને ડીઝલ 96 રૂપિયાની આસપાસ પહોંચી ગયું છે.
કોંગ્રેસે વધુમાં આક્ષેપ કર્યો કે ચૂંટણીઓ પૂર્ણ થતાં જ હવે સામાન્ય જનતા પાસેથી વધુ વસૂલાત શરૂ કરવામાં આવી રહી છે.
કોંગ્રેસના રાજ્યસભા સાંસદ ઈમરાન પ્રતાપગઢીએ પણ સરકારની ટીકા કરતા જણાવ્યું કે વડાપ્રધાનના વિદેશ પ્રવાસો અને ચૂંટણી રેલીઓ પાછળ થતા ખર્ચનો ભાર આખરે સામાન્ય લોકો પર જ નાખવામાં આવી રહ્યો છે.
સમાજવાદી પાર્ટીનો કટાક્ષ
સમાજવાદી પાર્ટીના નેતા રાજીવ રાયે પણ ભાજપ સરકારને નિશાન બનાવી કહ્યું કે, થોડા દિવસ પહેલાં ઓટો-રિક્ષામાં મુસાફરી કરીને પ્રચાર કરનારા ભાજપના નેતાઓ હવે પણ સામાન્ય લોકો જેવી જ મુસાફરી કરે છે કે નહીં તે જોવાનું રહેશે. તેમણે ભાવવધારાને જનતા પર વધારાનો આર્થિક બોજ ગણાવ્યો હતો.
ભાજપનો બચાવ
વિપક્ષના આરોપો વચ્ચે ભાજપના નેતાઓએ સરકારનો બચાવ કર્યો છે. ભાજપ નેતા દિલીપ ઘોષે જણાવ્યું કે વિશ્વભરમાં હાલમાં ઓઇલ કટોકટી ચાલી રહી છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઇલના ભાવમાં ઉછાળો આવ્યો છે. તેમના જણાવ્યા મુજબ, વૈશ્વિક યુદ્ધ જેવી પરિસ્થિતિઓના કારણે ભારતને પણ તેની અસર સહન કરવી પડી રહી છે.
તેમણે ઉમેર્યું કે કેન્દ્ર સરકાર લોકો પર ઓછામાં ઓછી અસર પડે તે માટે પ્રયત્નશીલ છે, પરંતુ સરકારી ઓઇલ કંપનીઓ ભારે નુકસાન ભોગવી રહી હોવાથી ભાવવધારો અનિવાર્ય બન્યો છે.
નિશિકાંત દુબેનો વિવાદિત તર્ક
ભાજપ સાંસદ નિશિકાંત દુબેએ પણ આ મુદ્દે પ્રતિક્રિયા આપતા કહ્યું કે ઝારખંડમાં દારૂના ભાવમાં મોટો વધારો થયો હોવા છતાં કોઈ વિરોધ જોવા મળતો નથી, ત્યારે પેટ્રોલ-ડીઝલના ભાવમાં થોડા રૂપિયાના વધારાને લઈને એટલો હોબાળો કેમ થઈ રહ્યો છે તે સમજાતું નથી.














Leave a Reply