ઉત્તર પ્રદેશના પાટનગર લખનઉના અલીગંજ વિસ્તારમાં આવેલી ત્રણ માળની ઇમારતમાં ભીષણ આગ લાગતા હૃદયદ્રાવક દુર્ઘટના સર્જાઈ હતી. ઉષા મહેતા માર્ગ પર આવેલી આ ઇમારતમાં એનિમેશન કોચિંગ સેન્ટર કાર્યરત હતું. આગની ઘટનામાં 15 વિદ્યાર્થીઓના મોત થયા હોવાનું જાણવા મળ્યું છે, જ્યારે ચારથી વધુ વિદ્યાર્થીઓ ગંભીર રીતે ઘાયલ થયા છે. મોડી રાત સુધી અગ્નિશામક દળ દ્વારા આગ પર કાબૂ મેળવવા અને ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી.
પ્રાથમિક માહિતી અનુસાર, એર કન્ડીશનરમાં શોર્ટ સર્કિટ થતાં આગ લાગી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે તાત્કાલિક તપાસના આદેશ આપ્યા છે. મૃતક વિદ્યાર્થીઓની ઉંમર અંદાજે 20થી 25 વર્ષની હોવાનું જણાવાયું છે.
ઘટના સમયે કોચિંગ સેન્ટરમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર હતા. આગ ઝડપથી ફેલાતા ઘણા વિદ્યાર્થીઓને બહાર નીકળવાની તક મળી ન હતી. જીવ બચાવવા કેટલાક વિદ્યાર્થીઓએ ઇમારતમાંથી કૂદવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આગની વિકરાળ જ્વાળાઓને કારણે અનેક લોકો તેમાં સપડાઈ ગયા હતા.
સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ ઇમારત ચારેય બાજુથી ઘેરાયેલી હોવાથી બહાર નીકળવાના રસ્તા મર્યાદિત હતા. કેટલાક વિદ્યાર્થીઓ બાથરૂમમાં આશરો લેવા મજબૂર બન્યા હતા, જ્યારે કેટલાક ટેરેસ તરફ જવાનો પ્રયાસ કરી રહ્યા હતા. જોકે, ટેરેસ તરફ જતી સીડીમાં તાળું મારેલું હોવાના આક્ષેપો પણ સામે આવ્યા છે, જેના કારણે વિદ્યાર્થીઓ ઉપર પહોંચી શક્યા નહોતા.
આગમાં સમગ્ર ત્રણ માળની ઇમારત બળીને ખાખ થઈ ગઈ હતી. ઇમારતના ગ્રાઉન્ડ ફ્લોર પર પેટ ક્લિનિક અને ઉપરના માળે ગેમ ઝોન પણ ચાલતું હોવાનું જાણવા મળ્યું છે. આગને કાબૂમાં લેવા માટે 14થી વધુ ફાયર ટેન્ડરોની મદદ લેવામાં આવી હતી.
ઘટના સમયે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અલીગઢની મુલાકાતે હતા. દુર્ઘટનાની જાણ થતાં તેમણે કાર્યક્રમ ટૂંકાવીને લખનઉ પહોંચીને ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી. તેમણે પીડિત પરિવારોને સાંત્વના પાઠવી અને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી, કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહ તેમજ સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે પણ દુર્ઘટના અંગે શોક વ્યક્ત કર્યો હતો. પ્રધાનમંત્રીએ મૃતકોના પરિવારજનોને બે લાખ રૂપિયા અને ઘાયલોને 50 હજાર રૂપિયાની સહાય જાહેર કરી હતી. ઉપરાંત, રાજ્ય સરકાર તરફથી મૃતકોના પરિવારને પાંચ લાખ રૂપિયા અને ઇજાગ્રસ્તોને 50 હજાર રૂપિયાની આર્થિક સહાય આપવાની જાહેરાત કરવામાં આવી છે.














Leave a Reply